દેશની જિલ્લા અદાલતોમાં ન્યાય મેળવવા માટે રાહ જોતા લોકોની લાંબી કતારો પાછળના અસલી કારણો શું છે તે જાણવા માટે તાજેતરમાં એક રાષ્ટ્રીય સ્તરની સમીક્ષા કરવામાં આવી છે. ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા દેશભરમાંથી સૌથી વધુ કેસો ધરાવતા 100 ન્યાયિક જિલ્લાઓની ઓળખ કરીને તેને હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ગંભીર યાદીમાં ગુજરાતના બે મોટા શહેરો એટલે કે અમદાવાદ અને સુરતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે ન્યાયતંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.
રાષ્ટ્રીય ડેશબોર્ડના ડેટા મુજબ અમદાવાદ જિલ્લા અદાલતમાં અંદાજે 3.6 લાખ જેટલા કેસો પડતર હોવાથી તે સમગ્ર દેશમાં ચોથા ક્રમે આવે છે, જ્યારે સુરત 1.3 લાખ કેસો સાથે 80મા ક્રમે છે. ખાસ વાત એ છે કે અમદાવાદના કુલ પડતર કેસોમાંથી લગભગ 5% કેસો તો 10 વર્ષથી પણ વધુ જૂના છે, જ્યારે 10% કેસો પાંચથી 10 વર્ષથી પેન્ડિંગ છે. આ સમસ્યાના ઉકેલ માટે કેન્દ્રીય કાયદા મંત્રાલયે 16 રાજ્યોની 19 નેશનલ લો યુનિવર્સિટીના કુલપતિઓ સાથે બેઠક યોજી હતી અને કેસોના ઝડપી નિકાલ માટે મધ્યસ્થી અને સમરી ટ્રાયલ જેવી પદ્ધતિઓ પર ભાર મૂક્યો છે.
આ રાષ્ટ્રવ્યાપી મિશન અંતર્ગત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) હવે અમદાવાદ અને સુરતની જિલ્લા કોર્ટ સાથે મળીને કામ કરશે. GNLUના ડિરેક્ટર પ્રોફેસર એસ. શાંતાકુમારે જણાવ્યું હતું કે યુનિવર્સિટીની ટીમ કોર્ટના અધિકારીઓ સાથે મળીને તપાસ કરશે જેમાં પક્ષકારોની ગેરહાજરી, દસ્તાવેજોનો અભાવ અને ટેકનિકલ સમસ્યાઓ જેવા કેસો લંબાવવાના અસલી કારણો શોધીને પેન્ડન્સી ઘટાડવાની યોગ્ય વ્યૂહરચના તૈયાર કરવામાં આવશે.
