રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો ઠરાવ બહાર પાડીને ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ, કબા ગાંધીનો ડેલો, રાજકોટ અને સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ, અમદાવાદનો વહીવટ તબદીલ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે હવે આ બંને ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના સ્થળોની દેખરેખ શિક્ષણ વિભાગના બદલે સીધી રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક રહેશે. સંસ્કૃતિ વિભાગ આ પ્રકારના સાંસ્કૃતિક વારસા અને સ્મારકોની જાળવણી માટેનું નોડલ વિભાગ હોવાથી આ ફેરફાર અત્યંત સ્વાભાવિક અને જરૂરી માનવામાં આવી રહ્યો છે.
શિક્ષણ વિભાગ દ્વારા તા. 23-10-2026 ના રોજ ઠરાવ ક્રમાંક ED/MSM/e-file/3/2022/6051/ અનુસાર રાજ્યપાલના હુકમથી આ સત્તાવાર નિર્ણય બહાર પાડવામાં આવ્યો છે. ઠરાવમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વર્ષ 2026-27 સુધીનું બજેટ શિક્ષણ વિભાગ દ્વારા જ ફાળવવામાં આવશે, જ્યારે આગામી વર્ષ એટલે કે 2027-28 થી આ બંને ટ્રસ્ટોનું આખું બજેટ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા જ ફાળવવામાં આવશે. આ સાથે જ ત્યાંનો સ્ટાફ, મિલકત અને અન્ય વહીવટી બાબતોની તબદીલી પણ તબક્કાવાર રીતે પૂર્ણ કરવામાં આવશે.
રાજકોટમાં ઘી કાંટા રોડ પર આવેલા કબા ગાંધીના ડેલા પર મહાત્મા ગાંધીએ પોતાના બાળપણના અમૂલ્ય વર્ષો વિતાવ્યા હતા અને હાલ તે ભવ્ય ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ તરીકે કાર્યરત છે, જ્યારે સાબરમતી આશ્રમ દેશભરમાં આઝાદીની લડાઈનું સૌથી મોટું પ્રતિક છે. હવે આ બંને જગ્યાઓ સંસ્કૃતિ વિભાગના હાથમાં આવવાથી તેમના વિકાસ, પ્રવાસન અને બાપુના વિચારોના પ્રચાર-પ્રસારને એક નવી જ ગતિ મળશે તેવી ગાઢ અપેક્ષા રાખવામાં આવી રહી છે.
