JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

અમેરિકન મિલિટરી બેઝ પર ફ્રીઝર ખરાબ થવાની ઘટના પાછળ સાયબર હુમલો હોવાની શંકા

Oct 29, 2026 | 16:05 | By JAMNAGAR MIRROR
અમેરિકન મિલિટરી બેઝ પર ફ્રીઝર ખરાબ થવાની ઘટના પાછળ સાયબર હુમલો હોવાની શંકા
અમેરિકાના મિલિટરી બેઝ પર ઓગસ્ટ મહિનામાં શંકાસ્પદ રીતે ફ્રીઝર બંધ થઈ જવાથી ખોરાક બગડવાની ઘટના સામે આવી છે. પેન્ટાગોન આ મામલાને સાયબર અટેક ગણીને તપાસ કરી રહ્યું છે અને ફ્રાન્સમાં થયેલા સમાન હુમલા સાથે પણ કડીઓ જોડાઈ રહી છે.

અમેરિકાના જુદા-જુદા મિલિટરી બેઝ પર ગત ઓગસ્ટ મહિનામાં બનેલી રહસ્યમય ઘટનાઓએ સત્તાધીશોની ચિંતા વધારી દીધી છે. બેઝ પર બનેલા સ્ટોર્સ કે જ્યાં મિલિટરી કર્મચારીઓ ખાવા-પીવાની ચીજવસ્તુઓ ખરીદે છે, ત્યાં અચાનક જ ફ્રીઝર ખરાબ થઈ જવાથી મોટા પ્રમાણમાં ખોરાક બગડી ગયો હતો. આ કોઈ સામાન્ય ટેક્નિકલ ખામી નથી પરંતુ આની પાછળ કોઈ મોટો સાયબર હુમલો હોઈ શકે છે તેવી શંકા ચાર અધિકારીઓએ વ્યક્ત કરી છે. આ મામલે મિલિટરીના સાયબર યુનિટ અને કિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિવિઝનની ટીમ અન્ય એજન્સીઓ સાથે મળીને ઊંડી તપાસ ચલાવી રહી છે.

આ તપાસ સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ, અમેરિકન તપાસકર્તાઓ ફ્રાન્સના સમકક્ષ અધિકારીઓના સંપર્કમાં પણ છે, કારણ કે થોડા સમય પહેલાં જ ફ્રાન્સમાં પણ કોમર્શિયલ ફ્રીઝર્સ પર સમાન પ્રકારનો સાયબર હુમલો થયો હતો જેના કારણે ત્યાંના સુપરમાર્કેટ્સને મોટું નુકસાન થયું હતું. અમેરિકાના એરિઝોના સ્થિત ફોર્ટ હુઆચુકા બેઝ પર તો ફ્રીઝર માત્ર બંધ જ નહોતા થયા, પરંતુ રાતોરાત કૂલિંગ યુનિટનું તાપમાન એટલું બધું વધારી દેવામાં આવ્યું હતું કે સવાર સુધીમાં બધો જ ખોરાક ઓગળીને બગડી ગયો હતો. ફ્રાન્સમાં પણ આ જ પદ્ધતિથી 350થી વધુ સ્થળોએ ફ્રીઝરનું તાપમાન વધારી દેવાયું હતું જેના કારણે કરોડો યુરોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે અને કેટલાક યુનિટમાં તો આગ પણ લાગી હતી.

આ પ્રકારના બનાવો દર્શાવે છે કે ઇન્ટરનેટ સાથે જોડાયેલી મહત્ત્વની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ્સ કેટલી સંવેદનશીલ હોય છે. નિષ્ણાતોના મતે, અગાઉ જે કુલિંગ કંટ્રોલર્સ માત્ર ટેકનિશિયન દ્વારા જ ઓપરેટ થતા હતા તે હવે ઇન્ટરનેટ સાથે જોડાઈ જવાને કારણે હેકર્સ સરળતાથી તેને નિશાન બનાવી રહ્યા છે. વર્ષ 2022માં રશિયા અને ઇઝરાયેલમાં તેમજ ગત વર્ષે લોસ એન્જલસની એક મીટપેકિંગ ફેસિલિટીમાં પણ ફ્રિજ અને ફ્રીઝર હેક થયાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. હાલ તો પેન્ટાગોન અને તપાસ એજન્સીઓ આ ગંભીર મામલાની સઘન તપાસ કરી રહી છે જેથી સપ્લાય ચેઈનને સુરક્ષિત રાખી શકાય.

LATEST ARTICLES