અમેરિકાના ટેક્સાસ રાજ્યના સેન એન્જેલો શહેરમાંથી એક રસપ્રદ અને પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ગાડીઓના ઘસાઈ ગયેલા અને નકામા થઈ ગયેલા ટાયરને ફેંકી દેવાને બદલે તેનો અદભુત ઉપયોગ કરવામાં આવ્યો છે. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનના જણાવ્યા અનુસાર, સેન એન્જેલો ડિસ્ટ્રિક્ટે સ્થાનિક રોડ પ્રોજેક્ટ્સમાં કુલ 135,389 જૂના ટાયરનો ઉપયોગ કર્યો છે. આ જૂના ટાયરને રિસાયકલ કરીને પેવમેન્ટ એટલે કે રસ્તાની બનાવટમાં વાપરવામાં આવ્યા છે, જેનાથી રોડની મજબૂતાઈમાં મોટો વધારો થયો છે અને ટાયરોનો કચરો લેન્ડફિલમાં જતા અટકી ગયો છે. પર્યાવરણની જાળવણી માટેના આ ઉત્કૃષ્ટ કામ બદલ આ પ્રોજેક્ટને એન્વાયર્નમેન્ટલ અચીવમેન્ટ અવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો છે. આજના સમયમાં આખા અમેરિકામાં દર વર્ષે આશરે 230 મિલિયન ટાયર પેદા થાય છે, જેની સામે રિસાયક્લિંગનો વ્યાપ વધારવો ખૂબ જ જરૂરી બની ગયો છે.
ટાયરના નિકાલની સમસ્યા કેટલી ગંભીર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે અમેરિકામાં 2023ના રિપોર્ટ મુજબ અંદાજે 79 ટકા નકામા ટાયર રિસાયકલ કરવામાં આવ્યા હતા, જે 2021માં 71 ટકા હતા. જો કે, સામેપક્ષે ટાયરનું ઉત્પાદન સતત વધતું હોવાથી અનેક રાજ્યોમાં ટાયરના મોટા ઢગલા હજુ પણ પડી રહ્યા છે. જૂના ટાયર જો ખુલ્લામાં પડે રહે તો તેમાં વરસાદનું પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી શકે છે અને અઠવાડિયા સુધી સળગી શકે તેવી ભયાનક આગનું જોખમ પણ રહે છે. આ સમસ્યાના ઉકેલ માટે ટાયર ઇન્ડસ્ટ્રી અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જૂના ટાયરને નાના ટુકડા એટલે કે ક્રમ્બ રબરમાં ફેરવીને ડામર સાથે મિક્સ કરીને રબર-મોડિફાઇડ આફ્ફાલ્ટ (RMA) બનાવવાની ટેકનિક વિકસાવવામાં આવી છે. ટેક્સાસ અને કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં 1960ના દાયકાથી આ પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે.
સંશોધનો દર્શાવે છે કે રબરયુક્ત ડામરથી બનેલા રસ્તાઓની આવરદા વધી જાય છે, વાહનોનો અવાજ ઘટે છે, અને વ્હીલનું ઘર્ષણ ઓછું થવાથી ગાડીઓની ફ્યુઅલ ઇકોનોમી પણ સુધરે છે. તેમ છતાં, સામાન્ય ડામરની સરખામણીમાં આ પદ્ધતિ મોંઘી હોવાને કારણે હજુ પણ ઘણા ઓછા રાજ્યોએ તેને મોટા પાયે અપનાવી છે. સેન એન્જેલોમાં 135,389 ટાયરનો ઉપયોગ એક મોટી જીત છે, પરંતુ તે રાષ્ટ્રીય સ્તરના કુલ કચરા સામે ખૂબ જ નાનો હિસ્સો છે. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આવા વધુ પગલાં લેવામાં આવે, તો પર્યાવરણને બચાવવાની સાથે દેશના રસ્તાઓની આયુ પણ લાંબી કરી શકાય તેમ છે.
