JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

સુરતમાં નકલી ડોક્ટર બની મહિલાઓને ઠગતી ગેંગ પકડાઈ, 5 આરોપીઓની ધરપકડ

Oct 29, 2026 | 15:01 | By JAMNAGAR MIRROR
સુરતમાં નકલી ડોક્ટર બની મહિલાઓને ઠગતી ગેંગ પકડાઈ, 5 આરોપીઓની ધરપકડ
સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે વજન ઘટાડવા અને સ્કિનની દવાના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરતી કુખ્યાત ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગુરુગ્રામ અને દિલ્હીથી ચાલતા આ નકલી કોલ સેન્ટરમાંથી 5 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેઓ વોટ્સએપ પર ડોક્ટર બનીને ખાસ કરીને મહિલાઓને શિકાર બનાવતા હતા.

સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના માધ્યમથી ચાલતા એક મોટા સાયબર ક્રાઈમ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ વોટ્સએપ પર નકલી ડોક્ટર બનીને ખાસ કરીને મહિલાઓને પોતાનું નિશાન બનાવતી હતી અને વજન ઘટાડવા તેમજ સ્કિનની દવાના નામે લાખો રૂપિયા પડાવતી હતી. ઠગ ટોળકીએ ક્યોરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ અને વેદિક વર્લ્ડ જેવી બોગસ કંપનીઓ ઊભી કરીને અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું મસમોટું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં અગાઉ એક જ મહિલા સાથે 1.77 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ આચરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે.

આ આંતરરાજ્ય કૌભાંડના તાર દિલ્હી અને ગુરુગ્રામ સુધી જોડાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે, જ્યાં મોટા પાયે નકલી કોલ સેન્ટર ચલાવવામાં આવતા હતા. આ નકલી કોલ સેન્ટર્સમાં આશરે 160 જેટલા કર્મચારીઓ સક્રિય રહીને લોકોને લોભામણી જાહેરાતો દ્વારા ફસાવતા હતા. પોલીસે આ મામલે સઘન કાર્યવાહી કરીને અમિત ગૌરવ, પંકજ શર્મા, રૂપેશકુમાર બત્રા, પુનીતકુમાર અને દીપકકુમાર ગુપ્તા નામના 5 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓના વિવિધ બેંક ખાતા અને પેમેન્ટ ગેટવેની તપાસ કરતા તેમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે.

આ સમગ્ર ઘટના બાદ સુરત પોલીસ દ્વારા નાગરિકો માટે વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા પર આવતી કોઈપણ લોભામણી જાહેરાતો અને ઓનલાઈન વજન ઘટાડવાની પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા તેની પૂરતી ખરાઈ કરવી ખૂબ જ જરૂરી છે. સાયબર ઠગાઈથી બચવા માટે સતર્કતા એ જ સૌથી મોટો બચાવ છે. હાલ પોલીસે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરિતોને ઝડપી પાડવા અને ભોગ બનનાર લોકોના નાણાં પરત મેળવવાની દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

LATEST ARTICLES