રાજકોટમાં આપઘાતના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા અને વધુ 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. કુવાડવા ગામે રહેતા 25 વર્ષના જગદિશ રઘુભાઈ દુધરેજીયા નામના યુવકને છેલ્લા 1 વર્ષથી કેન્સરની ગંભીર બીમારી હતી અને તેની સારવાર પણ ચાલુ હતી. પરંતુ બીમારી સામેની આ લડાઈમાં તે થાકી ગયો હતો અને ગઈકાલે વહેલી સવારે પોતાના ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ગળી ગયો હતો. આ તરફ બીજો બનાવ અટિકા ફાટક પાસે બન્યો હતો, જ્યાં બપોરે અઢી વાગ્યા આસપાસ જનતા એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે એક અજાણ્યા વૃદ્ધાએ ટ્રેન નીચે પડતું મૂકી દીધું હતું.
ઝેરી ટીકડા પી જનાર યુવક જગદિશને તાત્કાલિક સારવાર માટે ગિરિરાજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. મૃતક યુવકને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી છે, જેના કારણે પરિવારમાં કલ્પાંત મચી ગયો છે. હોસ્પિટલ સ્ટાફની સૂચનાથી કુવાડવા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એમ. સિરોળીયા સહિતનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જ્યારે અટિકા ફાટક પાસે ટ્રેન નીચે આપઘાત કરનાર વૃદ્ધાના કિસ્સામાં કોઈ જાગૃત નાગરિકે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તેમને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
અટિકા ફાટક પાસે બનેલા આ બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઈ પરમાર પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. પોલીસે વૃદ્ધાના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને તેમની ઓળખ કરવા અને વાલીવારસોની ભાળ મેળવવા માટે આગળની ચક્રોગતિમાન કરી છે. એક જ દિવસમાં બનેલા આ બે અલગ-અલગ આપઘાતના બનાવોથી પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે અને પરિવારોમાં ભારે શોકનું મોટો ફેલાઈ ગયો છે.
