JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

શેરબજારના રોકાણકારો માટે રાહતના સમાચાર, LTCG ટેક્સ નાબૂદ કરવા ઉદ્યોગ જગતની માંગ

Oct 29, 2026 | 15:46 | By JAMNAGAR MIRROR
શેરબજારના રોકાણકારો માટે રાહતના સમાચાર, LTCG ટેક્સ નાબૂદ કરવા ઉદ્યોગ જગતની માંગ
શેરબજારમાં ફોરેન ફંડ્સ વધારવા અને રોકાણકારોને પ્રોત્સાહન આપવા માટે PHDCCI દ્વારા ફાઇનાન્સ મિસ્ટરને ખાસ ભલામણો મોકલવામાં આવી છે. જેમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ એટલે કે LTCG નાબૂદ કરવા અને શોર્ટ ટર્મ ટેક્સ તેમ જ STT ના દરો ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

નવી દિલ્હીના ઇન્ડસ્ટ્રી ચેમ્બર PHDCCI દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ સમક્ષ એક મહત્વનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ઇક્વિટી પર લાગતા લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સને સંપૂર્ણપણે હટાવી લેવાની ભલામણ કરાઈ છે. ચેમ્બરનું માનવું છે કે રોકાણકારોમાં ડબલ ટેક્સેશનની સમસ્યા દૂર કરવા અને સાચા રોકાણકારોને આકર્ષવા માટે આ પગલું અનિવાર્ય છે. આ માટે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની મર્યાદા હાલના 12 મહિનાથી વધારીને 18 થી 24 મહિના કરવાની પણ સૂચના આપવામાં આવી છે, જેથી માત્ર જેન્યુઈન ઇન્વેસ્ટર્સને જ તેનો લાભ મળી શકે. હાલમાં લિસ્ટેડ ઇક્વિટી અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં 1.25 લાખથી વધુના નફા પર 12.5 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે, જ્યારે 12 મહિનાની અંદર વેચવા પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ તરીકે 20 ટકા ટેક્સ લાગે છે.

હાલની ટેક્સ સિસ્ટમ અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે STTના કારણે રોકાણકારો પર બેવડો બોજ પડી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને PHDCCI દ્વારા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ ઘટાડીને 10 ટકા કરવા અથવા STTના દરોમાં રાહત આપવાની માંગ કરાઈ છે. આંકડાકીય નજર કરીએ તો, સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં STT દ્વારા 73,700 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જ્યારે ગયા વર્ષે આ આંકડો 57,522 કરોડ રૂપિયા હતો. બીજી તરફ, ચાલુ વર્ષે 1 اپریلથી 14 ઓક્ટોબર દરમિયાન જ STT કલેક્શન આશરે 52 ટકા વધીને 46,840 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. આ ભારે ટેક્સ બર્ડનના કારણે જ વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ એટલે કે FPIs દ્વારા વર્ષ 2026ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન ભારતીય ઇક્વિટીમાંથી રેકોર્ડ 3.08 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે, જે ગયા વર્ષના કુલ 1.66 લાખ કરોડ રૂપિયાના ઉપાડથી લગભગ બમણા છે.

આગામી સમયમાં જો સરકાર આ ભલામણો પર ગંભીરતાથી વિચારણા કરશે તો ભારતીય શેરબજારમાં વિદેશી મૂડીનું પ્રવાહ ફરી વધી શકે છે અને આઉટફ્લો ઘટી શકે છે. ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમને આ મહિનાની શરૂઆતમાં જ સ્પષ્ટ કર્યું હતું કે ઇન્વેસ્ટર્સ તરફથી LTCG અને STT અંગે સતત ચર્ચાઓ અને પ્રતિસાદ મળી રહ્યા છે અને આ પ્રકારની હેલ્ધી ચર્ચા આવકાર્ય છે. ઉદ્યોગ જગતના નિષ્ણાતોનું પણ માનવું છે કે જો ટેક્સ માળખામાં તર્કસંગત ફેરફારો કરવામાં આવે અને ગ્લોબલ કેપિટલ માટે ભારતને વધુ આકર્ષક બનાવવામાં આવે, તો દેશની આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે અને ઘરઆંગણે સંપત્તિનું સર્જન પણ મજબૂત થશે.

LATEST ARTICLES