સેન્ટ લુઈસ પાસે એક ખુલ્લા મેદાનમાં 45 પ્લાસ્ટિકના ટેન્ક ગોઠવીને કરવામાં આવેલા એક અનોખા વૈજ્ઞાનિક અભ્યાસમાં કુદરત અને ઈકોસિસ્ટમને લઈને મોટા ખુલાસા થયા છે. આ ટેન્ક્સમાં સમાન પાણી, માટી અને આશરે 100 જેટલી અલગ-અલગ સ્પીસીઝ (જેમાં છોડ, કીટકો, શેવાળ અને માઈક્રો એનિમલ્સ સામેલ હતા) નાખવામાં આવ્યા હતા. વોશિંગ્ટન યુનિવર્સિટીના ઈકોલોજિસ્ટ જોનાથન ચેસના વડપણ હેઠળ 2002માં શરૂ થયેલા આ રિસર્ચનો હેતુ એ સમજવાનો હતો કે સમાન પ્રકારની સામગ્રી છતાં અલગ પરિણામો કેમ મળે છે. સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ મુજબ, કોઈપણ જગ્યાએ કઈ સ્પીસીઝ કયા ક્રમમાં પહોંચે છે, તેનાથી આખી ઈકોસિસ્ટમની દિશા બદલાઈ જાય છે.
આ રિસર્ચ પાછળ લાંબી મહેનત રહી છે, જેમાં 300 ગેલન પાણીની ક્ષમતાવાળા ટેન્ક્સમાં લો, મીડિયમ અને હાઈ ન્યૂટ્રિયન્ટ્સ ઉમેરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની ટીમે 3 વર્ષ સુધી અલગ-અલગ સ્પીસીઝને રેન્ડમ ક્રમમાં આ ટેન્ક્સમાં ઉમેરી હતી, જ્યારે ડ્રેગનફ્લાય, સ્નેઈલ્સ અને ઝૂપ્લાંકટન જેવી બાકીની સ્પીસીઝને કુદરતી રીતે વિકસવા દેવામાં આવી હતી. આખો અભ્યાસ પૂરો થતાં કુલ 7 વર્ષનો સમય લાગ્યો હતો. રિસર્ચના અંતે જાણવા મળ્યું કે લો ન્યૂટ્રિયન્ટ્સવાળા ટેન્ક્સમાં સ્પીસીઝ ગમે તે ક્રમમાં આવે, તેનાથી કોઈ ફરક ન પડ્યો અને બધા ટેન્ક્સમાં સમાન કમ્યુનિટી બની. જોકે, હાઈ ન્યૂટ્રિયન્ટ્સવાળા ટેન્ક્સમાં સ્પીસીઝના આવવાનો ક્રમ ખૂબ જ મહત્ત્વનો સાબિત થયો, જેને વિજ્ઞાનીઓએ 'પ્રાયોરિટી ઈફેક્ટ' નામ આપ્યું છે.
આ વૈજ્ઞાનિક તારણો માત્ર તળાવો કે જીવજંતુઓ પૂરતા સીમિત નથી, પણ ઈકોલોજીકલ રિસ્ટોરેશનના ક્ષેત્રમાં પણ મોટો સંદેશ આપે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કોઈપણ નષ્ટ થયેલી ઈકોસિસ્ટમ (જેમ કે વેટલેન્ડ્સ કે કોરલ રીફ્સ) માનવીય દખલ હટાવી લેવાથી કુદરતી રીતે પાછી સુધરી જાય છે, જેને 'મિથ ઓફ ધ કાર્બન કોપી' કહે છે. પરંતુ આ અભ્યાસ બતાવે છે કે ન્યૂટ્રિયન્ટ્સથી ભરપૂર વાતાવરણમાં આ ધારણા ખોટી પડે છે, કારણ કે ત્યાં વહેલા પહોંચનારાઓનું વર્ચસ્વ વધી જાય છે. બીજી તરફ, દુકાળ કે સ્કેસિટી જેવી પરિસ્થિતિઓમાં આ ફાયદો નાબૂદ થઈ જાય છે અને માત્ર ટકી રહેવા માટે સક્ષમ સ્પીસીઝ જ બચે છે. ટૂંકમાં, ભવિષ્યના પર્યાવરણીય આયોજનમાં માત્ર સ્પીસીઝની હાજરી જ નહીં, પણ તેમના આગમનનો ક્રમ પણ એટલો જ અગત્યનો છે.
