બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર નશાકારક પદાર્થોના વેચાણ, સંગ્રહ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા અત્યારે લાલ આંખ કરવામાં આવી છે. ભાવનગર રેન્જના આઈ.જી. રાજેન્દ્ર અસારી અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ સતત સક્રિય છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને બોટાદ એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે રાણપુર તાલુકાના ઉમરાળા ગામની સીમમાં આવેલી એક વાડી અને મકાનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તે વિસ્તારમાં રેડ પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સફળ રેડ દરમિયાન પોલીસની ટીમે સ્થળ પરથી અરવિંદભાઈ નરશીભાઈ બાવળીયા નામના શખ્સને ઝડપી લીધો હતો. આ વાડી અને મકાન તેના જ કબજા-ભોગવટામાં હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે મકાનની તલાશી લેતા કાળા રંગના રેક્ઝિનના થેલામાંથી પારદર્શક પ્લાસ્ટિકની થેલીમાં ભરેલો વનસ્પતિજન્ય સુકો ગાંજો મળી આવ્યો હતો. સ્થળ પર જ હાજર એફ.એસ.એલ. અધિકારીએ નાર્કોટિક્સ ટેસ્ટ કિટથી પ્રાથમિક પરીક્ષણ કર્યું હતું, જેમાં મળી આવેલો પદાર્થ ગાંજો હોવાનું સત્તાવાર રીતે સાબિત થયું હતું. પોલીસે કુલ 905 ગ્રામ ગાંજા ઉપરાંત એક મોબાઈલ ફોન, થેલો અને પેકિંગ સામગ્રી સહિત કુલ 45,750 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પકડાયેલા આરોપી અરવિંદભાઈ પાસે આ પ્રકારના નશાકારક પદાર્થનો સંગ્રહ કરવા કે રાખવા માટેની કોઈ જ કાયદેસરની પરવાનગી ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે તેની વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી) તથા 20(બી)(ઈ) હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. જિલ્લામાં ડ્રગ્સ અને નશાકારક પદાર્થોનું નેટવર્ક નેસ્તનાબૂદ કરવા માટે પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરો અને નશો વેચનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
