JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

સુરતની બજારોમાં સોના-ચાંદીના ભાવ ઘટતા ખરીદીનો ધમધમાટ, જ્વેલરી શોપ્સ પર એડવાન્સ બુકિંગ શરૂ

Oct 29, 2026 | 14:05 | By JAMNAGAR MIRROR
સુરતની બજારોમાં સોના-ચાંદીના ભાવ ઘટતા ખરીદીનો ધમધમાટ, જ્વેલરી શોપ્સ પર એડવાન્સ બુકિંગ શરૂ
વૈશ્વિક કારણોસર સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થતાં સુરતના જ્વેલરી બજારમાં ભારે રોનક જોવા મળી રહી છે. આગામી તહેવારો અને લગ્નસરાની સિઝન પહેલા ગ્રાહકોએ અત્યારથી જ એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધું છે.

સુરત સહિત સમગ્ર રાજ્યમાં સોના અને ચાંદીના શોખીનો માટે ખુશખબર સામે આવી છે. તાજેતરમાં વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ, ડોલર ઇન્ડેક્સમાં ઉતાર-ચઢાવ અને માર્કેટ કરેક્શનના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ વૈશ્વિક અસરોના પગલે સોનાના ભાવ ઘટીને આશરે 1.45 લાખ અને ચાંદીના ભાવ 1.90 લાખ આસપાસ પહોંચી ગયા છે. બજારમાં કિંમતો નીચી આવતા સામાન્ય ગ્રાહકો માટે સોનું અને ચાંદી ખરીદવું વધુ સરળ બન્યું છે અને આર્થિક દૃષ્ટિએ આ સમય ખરીદી માટે ઉત્તમ ગણવામાં આવી રહ્યો છે.

હવે જ્યારે પુષ્ય નક્ષત્ર, ધનતેરસ અને દિવાળી જેવા પવિત્ર તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે સુરતના ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાવ ઘટ્યા હોવાનો પૂરેપૂરો લાભ લેવા માટે લોકો અત્યારથી જ મોટી સંખ્યામાં જ્વેલરી શોપ્સ પર પહોંચી રહ્યા છે અને પોતાનીી પસંદગીની ચીજ વસ્તુઓનું એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. સ્થાનિક બજારના અગ્રણી ઝવેરી વીરેન ચોકસીના જણાવ્યા અનુસાર, તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં જ ભાવ નીચા જવા એ ગ્રાહકો માટે સોનાની ખરીદી કરવાનો સુવર્ણ સમય સાબિત થઈ રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારના પ્રવાહો અને ડિમાન્ડ-સપ્લાયના નિયમો અનુસાર ભવિષ્યમાં આ ભાવ ફરીથી ઊંચકાઈ શકે છે. ખાસ કરીને આગામી દિવાળી અને લગ્નસરાની સીઝનમાં સોના-ચાંદીની માંગમાં મોટો વધારો થવાની પૂરી શક્યતા છે, જેના કારણે ભાવો ફરી ભડકી શકે છે. આ જ કારણોસર ગ્રાહકો ભાવમાં ફરીથી વધારો થાય તે પહેલા અગાઉથી જ ખરીદી કરી લેવા આતુર છે. હાલની આ સ્થિતિને કારણે સુરતના ઝવેરી બજારમાં અદ્ભુત રોનક અને ભારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

LATEST ARTICLES