ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં હાથ ધરાયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR પ્રક્રિયાને લઈને એક રસપ્રદ ખુલાસો થયો છે. બિહારથી શરૂ થયેલી આ ઝુંબેશ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીમાંથી ગેરકાયદેસર રીતે વસેલા વિદેશી નાગરિકોના નામ દૂર કરવાનો હતો, પરંતુ જ્યારે આંકડા બહાર આવ્યા ત્યારે 'ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર' જેવી સ્થિતિ સર્જાઈ છે. છ રાજ્યોની મતદાર યાદીની તપાસ કરવામાં આવી ત્યારે કુલ 9.86 કરોડ મતદારો સામે માત્ર 1600 જેટલા જ શંકાસ્પદ વિદેશી નાગરિકોના નામ મળી આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યોને વિદેશી નાગરિકોનો અલગથી કોઈ ચોક્કસ ડેટા તૈયાર કરવાના આદેશ ન અપાયા હોવાને કારણે મોટાભાગના રાજ્યો પાસે આ અંગેની અલગ વિગતો ઉપલબ્ધ જ નથી.
વિવિધ રાજ્યોના આંકડા પર નજર કરીએ તો કર્ણાટકમાં અંતિમ યાદીમાંથી 99.7 લાખ નામ હટાવાયા હતા, જેમાંથી 716 વિદેશી નાગરિકો પકડાયા હતા. જેમાં બેંગલુરુ નોર્થમાં 545 નેપાળી નાગરિકો અને દક્ષિણ કન્નડમાં 40 વિદેશીઓ સામેલ હતા, જેમાં નેપાળ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, બ્રિટન, નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા, આયરલેન્ડ અને નાઇજીરિયાના નાગરિકો પણ નીકળ્યા હતા. આ લોકો પાસે વોટર આઈડી કાર્ડ તો હતા પરંતુ તેઓ શાળાના સર્ટિફિકેટ કે પ્રોપર્ટીના દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા. આ ઉપરાંત કેરળમાં વિદેશી પાસપોર્ટ ધરાવતા 419 અને 3 અફઘાની નાગરિકો મળ્યા હતા, જ્યારે મેઘાલયમાં નેપાળી મૂળના 2 પુરુષોના નામ મળી આવતા તેમના નામ તુરંત રદ કરીને કેસ ગૃહ વિભાગને સોંપવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે મ્યાનમાર સરહદ પાસે આવેલા મિઝોરમમાં એક પણ વિદેશી નાગરિકનું નામ યાદીમાં નહોતું મળ્યું.
પંજાબ, દિલ્હી, ઉત્તરાખંડ અને તેલંગાણાના ચૂંટણી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાસે શંકાસ્પદ વિદેશી નાગરિકોનો કોઈ અલગ ડેટા જ નથી કારણ કે ઉત્તરાખંડના મુખ્ય નિર્વાચન અધિકારીના মতে આવા ડેટા એકત્ર કરવા તે તેમના ક્ષેત્રાધિકાર બહારની વાત છે. જૂન 2025માં બિહારથી શરૂ થયેલી આ SIR પ્રક્રિયા પાછળ ગેરકાયદે વસવાટ કરતા વિદેશીઓની સમસ્યા દૂર કરવાનો દાવો કરાયો હતો, પરંતુ દરેક રાજ્યમાં ડેટા કલેક્ટ કરવાની પદ્ધતિ અલગ હોવાથી ચિત્ર સ્પષ્ટ થઈ શક્યું નથી. સરવાળે, આટલી મોટી કવાયત છતાં વિદેશી નાગરિકોનું પ્રમાણ અપેક્ષા કરતા ઘણું ઓછું નીકળતા હવે સમગ્ર પ્રક્રિયાની પદ્ધતિ સામે સવાલો ઉઠી રહ્યા છે.
