દીપાવલીના તહેવારો હવે બિલકુલ નજીક આવી ગયા છે ત્યારે બજારોમાં ખરીદી કરવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓ ખરીદી માટે મોટી સંખ્યામાં બહાર નીકળતી હોય છે. આ ભીડભાડનો ફાયદો ઉઠાવીને કોઈ અનિચ્છનીય બનાવ કે ચિલઝડપની ઘટના ન બને તે માટે પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. ડીસીપી ઝોન-1 હેતલ પટેલ દ્વારા ખાસ કરીને મહિલાઓ અને નાગરિકો માટે સલામતીના કેટલાક મહત્વના નિયમો અને સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, જેથી તહેવારોનો આનંદ કોઈપણ મુશ્કેલી વગર માણી શકાય.
ખરીદી કરવા નીકળતી વખતે મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું કે બને ત્યાં સુધી વધારે પડતી રોકડ રકમ કે ભારે કિંમતી દાગીના સાથે ન રાખવા. શક્ય હોય ત્યાં સુધી ડિજિટલ કે ઓનલાઈન પેમેન્ટનો જ આગ્રહ રાખવો જેથી ચોરી કે ચિલઝડપથી બચી શકાય. આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોતાના વાહનો હંમેશા યોગ્ય પાર્કિંગમાં જ મૂકવા. જો સાથે નાના બાળકો હોય તો ભીડભાડમાં તેઓ ખોવાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. જાહેર સ્થળોએ કે બજારોમાં જો કોઈ શંકાસ્પદ વસ્તુ કે થેલી નજરે પડે તો તેની જાતે તપાસ કરવાના બદલે તાત્કાલિક પોલીસને જાણ કરવી અનિવાર્ય છે.
માત્ર બજારોમાં જ નહીં પરંતુ દિવાળીના વેકેશનમાં બહારગામ ફરવા જનારા લોકો માટે પણ પોલીસ દ્વારા અગત્યની ચેતવણી આપવામાં આવી છે. બહારગામ જતી વખતે ઘરમાં કિંમતી વસ્તુઓ અને સોના-ચાંદીના દાગીના ખુલ્લા ન છોડતા તેને બેંકના લોકરમાં સુરક્ષિત રાખવા. આજના ડિજિટલ યુગમાં લોકો સોશિયલ મીડિયા પર પોતાના લાઈવ લોકેશન અને સ્ટેટસ મુકતા હોય છે, પરંતુ પ્રવાસ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘર બંધ હોવાની કે બહારગામ હોવાની માહિતી આપતા સ્ટેટસ અપલોડ ન કરવા. અગાઉ પણ આવા ખુલ્લા સ્ટેટસના કારણે બંધ મકાનોમાં ચોરી થવાના બનાવો બન્યા હોવાથી નાગરિકોને પૂરતી સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.
