દુનિયાભરના મેડિકલ જગતને ચોંકાવનારી એક ઘટના ફ્રાન્સમાં સામે આવી છે, જ્યાં પહેલીવાર કોઈ માનવ શામોન્ડા વાયરસનો શિકાર બન્યો છે. અત્યાર સુધી આ વાયરસ માત્ર પશુઓમાં જ જોવા મળતો હતો, પરંતુ ફ્રાન્સના લિયોન સ્થિત સિવિલ હોસ્પિટલમાં લ્યુકેમિયાની સારવાર કરાવી રહેલા એક 61 વર્ષીય દર્દીનું આ વાયરસના કારણે દર્દનાક મોત થયું છે. દર્દીને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું અને તેને મગજમાં સોજો આવવાની સાથે અંધાપા અને બેભાન થઈ જવાના લક્ષણો દેખાયા હતા. આખરે લાઈફ સપોર્ટ હટાવ્યા બાદ 09 ઓક્ટોબર 2026ના રોજ આ દર્દીનું નિધન થયું હતું, જેણે મેડિકલ ઈતિહાસમાં ચિંતા વધારી દીધી છે.
ફ્રાન્સના હેલ્થ અને એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીના સંયુક્ત નિવેદન મુજબ, દર્દીને પૂર્વી ફ્રાન્સમાં કોઈ જીવાતના કરડવાથી આ વાયરસ લાગ્યો હોવાનીશંકા છે. આ વાયરસ સૌપ્રથમ 1965માં નાઈજીરિયામાં પશુઓમાં મળી આવ્યો હતો અને તે નાની માખી જેવા ક્યુલિકોઈડ્સ જીવાતના કરડવાથી ફેલાય છે. આ વાયરસ ગાય, ઘેટાં, બકરાં અને ઘોડા જેવા પ્રાણીઓમાં તાવ અને ડાયેરિયાનું કારણ બને છે. તાજેતરમાં યુરોપના 14 દેશોમાં આ વાયરસ પશુઓમાં ફેલાયો છે અને મૃતક દર્દીના સેમ્પલમાંથી આ વાયરસના જિનેટિક ટ્રેસ પણ મળી આવ્યા છે. આ વાયરસ ઓર્થોબુન્યાવાયરસ જીનસનો છે, જે ઓરોપૌચ વાયરસ જેવો જ ખતરનાક છે.
આ ઘટના બાદ એક્સપર્ટ્સનું માનવું છે કે હાલના તબક્કે આ વાયરસ માણસોમાં વ્યાપકપણે ફેલાશે તેવા કોઈ પુરાવા નથી, કારણ કે તેની ચેપ ફેલાવવાની ક્ષમતા મર્યાદિત હોઈ શકે છે. વાયરસના ફેલાવાને રોકવા માટે શિયાળાની ઋતુમાં જીવાતોની સંખ્યા ઘટવાથી ચેપ અટકે છે કારણ કે 12 ડિગ્રી સેલ્સિયસથી ઓછું તાપમાન વાયરસને વધવા દેતું નથી. આમ છતાં, પશુઓ અને માણસોના સેમ્પલની કડક દેખરેખ રાખવી તેમજ એન્ટિબોડીની તપાસ કરવી અત્યંત જરૂરી બની ગયું છે જેથી ભવિષ્યમાં તેના જોખમનો સાચો અંદાજ લગાવી શકાય.
