JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

બાંગ્લાદેશમાં શેખ હસીનાને હટાવતા પહેલા જ મોહમ્મદ યુનુસને સત્તા સોંપવાનો રચાયો હતો ગુપ્ત પ્લાન

Oct 29, 2026 | 13:00 | By JAMNAGAR MIRROR
બાંગ્લાદેશમાં શેખ હસીનાને હટાવતા પહેલા જ મોહમ્મદ યુનુસને સત્તા સોંપવાનો રચાયો હતો ગુપ્ત પ્લાન
શેખ હસીના સરકાર સામેના આંદોલન દરમિયાન વિદ્યાર્થી નેતાઓએ ગુપ્ત રીતે મોહમ્મદ યુનુસનો સંપર્ક કર્યો હતો. યુનુસના પ્રેસ સેક્રેટરીએ ખુલાસો કર્યો છે કે આ સમગ્ર કાવતરું અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યું હતું અને હસીનાના સુરક્ષા તંત્રને તેની બિલકુલ ભનક નહોતી.

બાંગ્લાદેશના રાજકારણમાં ઉથલપાથલ મચાવનારા એવા મોટા ખુલાસા સામે આવ્યા છે કે, વડા પ્રધાન શેખ હસીનાને સત્તા પરથી ખદેડી મૂકવામાં આવે તે પહેલા જ દેશની કમાન મોહમ્મદ યુનુસને સોંપવાની ગુપ્ત તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. હસીના વિરુદ્ધ રસ્તા પર ઉતરીને આંદોલન કરી રહેલા વિદ્યાર્થી નેતાઓએ કોઈને પણ કાનૂન કે ગુપ્તચર એજન્સીઓને ભનક ન લાગે તે રીતે ગુપ્ત રીતે મોહમ્મદ યુનુસનો સંપર્ક સાધ્યો હતો. આ ચોંકાવનારો દાવો મોહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ બધું ત્યારે થઈ રહ્યું હતું જ્યારે હસીના સત્તાના સિંહાસન પર બિરાજમાન હતી અને તેમને આ ખતરનાક ખેલની કોઈ જ માહિતી નહોતી.

આ ગુપ્ત મિશન પાછળની કહાની જણાવતા શફીકુલ આલમે ખુલાસો કર્યો કે કદરુદ્દીન શિશિર નામના પત્રકારે 2024માં હસીના વિરુદ્ધ વિરોધ કરી રહેલા નેતાઓ અને મોહમ્મદ યુનુસ વચ્ચે કડી બનવાનું કામ કર્યું હતું. તે સમયે શિશિર ઢાકામાં એક ન્યૂઝ એજન્સીની ફેક્ટ-ચેકિંગ ટીમના સંપાદક તરીકે ફરજ બજાવતા હતા. વિદ્યાર્થી નેતાઓને કોઈ એવા વિશ્વાસુ માણસની જરૂર હતી જે તેમની અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ વચ્ચે સેતુ બની શકે. આ જવાબદારી શિશિરે સંભાળી અને ન્યૂઝ એજન્સીના બ્યુરો ઓફિસમાં બેસીને જ આ અત્યંત સંવેદનશીલ અને જોખમી કાર્ય સંપૂર્ણ ગુપ્તતા સાથે પાર પાડ્યું. આખી ઘટના હસીનાને સત્તા પરથી હટાવવાના માત્ર 2 દિવસ પહેલા ઘડાઈ હતી અને જો તત્કાલીન સરકાર કે સુરક્ષા તંત્રને આની ગંધ આવી હોત તો પત્રકાર શિશિર તેમજ તેમની ટીમ સીધા કોઈ ગુપ્ત જેલમાં પહોંચી ગયા હોત.

બાંગ્લાદેશમાં વર્ષ 2024માં સરકારી નોકરીઓના ક્વોટા સામે શરૂ થયેલો વિરોધ પ્રદર્શનોનો દૌર જોતજોતમાં જ હસીનાને સત્તા પરથી ઉખાડી ફેંકવાના મોટા આંદોલનમાં ફેરવાઈ ગયો હતો. જુલાઈ મહિનામાં સ્થિતિ એટલી હદે વણસી કે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે હિંસક અથડામણો ફાટી નીકળી, જેમાં સેંકડો લોકોના મોત થયા. પાછળથી વિવિધ માનવાધિકાર અહેવાલો અને સત્તાવાર આંકડાઓમાં મૃત્યુઆંક 1000 થી 1400 ની વચ્ચે હોવાનું સામે આવ્યું હતું. આખરે આશરે એક મહિના સુધી ચાલેલા લોહિયાળ સંઘર્ષ બાદ 5 ઓગસ્ટના રોજ શેખ હસીનાએ પદ પરથી રાજીનામું આપવું પડ્યું અને તેઓ જીવ બચાવીને ભારત ભાગી આવ્યા, જ્યાં તેઓ આજ દિન સુધી રહે છે. આ ઘટનાના માત્ર 3 દિવસ બાદ જ મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી.

LATEST ARTICLES