વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધો, ઊર્જાના પુરવઠામાં મોટા પાયે વિક્ષેપ અને અલ નીનોની મજબૂત અસરને કારણે આગામી વર્ષ 2026માં વૈશ્વિક બજારમાં ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ ઉછાળો આવવાની પૂરી શક્યતા છે. વર્લ્ડ બેંક જૂથના તાજેતરના કોમોડિટી માર્કેટ્સ આઉટલુક મુજબ, આ વર્ષે વૈશ્વિક કોમોડિટીના ભાવમાં સરેરાશ 23 ટકાનો મોટો વધારો નોંધાઈ શકે છે. આ બેફામ ભાવવધારાને કારણે કોમોડિટીના ભાવ સીધા વર્ષ 2013 પછીના બીજા સૌથી ઊંચા સ્તરે પહોંચી જશે, જોકે રાહતના સમાચાર એ છે કે વર્ષ 2027માં ભાવમાં 7 ટકાનો સામાન્ય ઘટાડો થવાની આગાહી પણ કરવામાં આવી છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવની સૌથી માઠી અસર ઊર્જા બજાર પર પડી છે, જેના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો સરેરાશ ભાવ વર્ષ 2025ના 69 ડોલર પ્રતિ બેરલથી વધીને વર્ષ 2026માં સીધો 91 ડોલર સુધી પહોંચવાની પૂરી આશા છે. બીજી તરફ, હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પુરવઠો મર્યાદિત થવાથી યુરોપમાં કુદરતી ગેસના ભાવમાં આ વર્ષે લગભગ 60 ટકાનો વધારો થઈ શકે છે. ઊર્જા અને ખાતરના ઊંચા ભાવ ઉપરાંત અલ નીનોની વિપરીત અસરને કારણે ખાદ્ય ચીજવસ્તુઓ અને અનાજના ભાવમાં પણ વર્ષ 2026 દરમિયાન 14 ટકા અને વર્ષ 2027માં વધુ 9 ટકાનો વધારો થવાની દહેશત છે. ખાસ કરીને દક્ષિણ-પૂર્વ એશિયામાં સૂકા હવામાનના કારણે ચોખા, પામ ઓઇલ, ખાંડ અને કોફીનું ઉત્પાદન પ્રભાવિત થશે. એટલું જ નહીં, રિન્યુએબલ એનર્જી અને ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગ વચ્ચે ઔદ્યોગિક ધાતુઓ તેમજ કિંમતી ધાતુઓ એટલે કે સોના, ચાંદી અને પ્લેટિનમની માંગ વધવાથી તેના ભાવમાં વર્ષ 2026માં સીધો 40 ટકાનો જબરદસ્ત ઉછાળો આવી શકે છે.
આવા ગંભીર આર્થિક આંચકાઓ સામે પહોંચી વળવા માટે વર્લ્ડ બેંક જૂથે વિકાસશીલ દેશોને રાહત આપવા માટે હાલનાં નાણાકીય સાધનો દ્વારા 50થી 60 અબજ ડોલરની માતબર સહાય ઉપલબ્ધ કરાવી છે, જેનો ઉપયોગ સામાજિક સુરક્ષા અને આર્થિક સ્થિરતા મજબૂત કરવા માટે થશે. તેમ છતાં, બેંકે ચેતવણી આપી છે કે જો પશ્ચિમ એશિયાનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો અને અલ નીનોની અસર વધારે ઘાતક સાબિત થઈ, તો વર્ષ 2027માં બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધીને સરેરાશ 105 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે, જે સમગ્ર વિશ્વમાં બેફામ મોંઘવારી અને ખાદ્ય અસુરક્ષાનું મોટું જોખમ ઊભું કરશે.
