JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ગુજરાતના હજીરામાં બનશે ભારતીય સેનાનું સુપર વ્હીકલ, -55 ડિગ્રી ઠંડીથી +55 ડિગ્રી ગરમીમાં દુશ્મનોના છોડાવશે છક્કા

Oct 29, 2026 | 11:55 | By JAMNAGAR MIRROR
ગુજરાતના હજીરામાં બનશે ભારતીય સેનાનું સુપર વ્હીકલ, -55 ડિગ્રી ઠંડીથી +55 ડિગ્રી ગરમીમાં દુશ્મનોના છોડાવશે છક્કા
લાર્સન એન્ડ ટુબ્રો અને BAE સિસ્ટમ્સે ગુજરાતના હજીરામાં BVS 10 સિંધુ ઓલ-ટેરેન વાહનનું ઉત્પાદન શરૂ કર્યું છે. આ ખાસ વાહન ભારતીય સેનાની ઓપરેશનલ તાકાતમાં મોટો વધારો કરશે અને લદ્દાખથી લઈને કચ્છ સુધીના સરહદી વિસ્તારોમાં દુશ્મનો માટે મુશ્કેલીઓ સર્જશે.

ભારતીય સેનાની તાકાતમાં વધુ એક શક્તિશાળી વાહનનો ઉમેરો થવા જઈ રહ્યો છે, જેના માટે ગુજરાતના સુરત નજીક આવેલા હજીરા ખાતે ખાસ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લાર્સન એન્ડ ટુબ્રો અને બ્રિટનની પ્રખ્યાત કંપની BAE સિસ્ટમ્સ દ્વારા સંયુક્ત રીતે BVS 10 સિંધુ નામક અદ્યતન ઓલ-ટેરેન વાહનની મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વાહનો વૈશ્વિક સ્તરે સંઘર્ષો અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની ક્ષમતા સાબિત કરી ચૂક્યા છે, જે હવે દેશી ધરતી પર તૈયાર થઈને સીધા ભારતીય સેનાના કાફલામાં સામેલ થવા માટે પૂરી રીતે તૈયાર થઈ રહ્યા છે.

આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હેઠળ ભારતીય સેનાએ હાલમાં આવા 18 અત્યાધુનિક વાહનોનો ઓર્ડર આપ્યો છે. આ વાહનોને ખાસ કરીને લદ્દાખ જેવા અત્યંત ઊંચાઈવાળા અને પર્વતીય વિસ્તારોમાં તહેનાત કરવાની યોજના છે, જ્યાં જવાનોએ 18,000 ફૂટની ઊંચાઈએ બરફીલા અને કડકડતી ઠંડી વાતાવરણમાં ઓપરેશન પાર પાડવા પડે છે. BVS 10 સિંધુની સૌથી મોટી વિશેષતા એ છે કે તે માઇનસ 55 ડિગ્રી સેલ્સિયસ જેટલી હાડ થીજાવી દેતી ઠંડીમાં પણ અવિરત કામ કરી શકે છે. બીજી તરફ, પાકિસ્તાન સરહદ પાસે આવેલા કચ્છના રણ પ્રદેશમાં પણ આ વાહનોનો ઉપયોગ કરવાનું આયોજન કરાયું છે, જ્યાં ઉનાળાની સિઝનમાં તાપમાન પ્લસ 55 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.

આ વાહન લદ્દાખની હિમવર્ષા હોય કે પછી કચ્છની આકરી ગરમી, કાદવવાળી જમીન અને રણ વિસ્તાર, દરેક જગ્યાએ સૈનિકોની અવરજવર અને પેટ્રોલિંગ માટે રામબાણ સાબિત થશે. ગ્રેટ રણ ઓફ કચ્છ અને સરહદી વિસ્તારોમાં જ્યાં સામાન્ય વાહનો જઈ શકતા નથી ત્યાં આ ઓલ-ટેરેન વાહન સરળતાથી દોડી શકશે. આમ, આ નવું ડિફેન્સ વ્હીકલ ભારતીય સેનાની ઓપરેશનલ તાકાતને વધુ મજબૂત બનાવશે અને દુશ્મન દેશો સામે સરહદ પર આપણી સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવામાં મદદ કરશે.

LATEST ARTICLES