વેલિંગ્ટન ખાતે રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવ્યો છે. 199 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને ઓપનર વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. વૈભવે માત્ર 19 બોલમાં 45 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જ્યારે બીજી બાજુ અભિષેક શર્માએ માત્ર 38 બોલમાં શાનદાર 113 રન ફટકાર્યા હતા. આ બંને તોફાની ઓપનર્સે માત્ર 7.1 ઓવરમાં જ 133 રનની ભાગીદારી નોંધાવી દીધી હતી અને ભારતે 13.2 ઓવરમાં જ 4 વિકેટના નુકસાને લક્ષ્યાંક હાંસલ કરીને મેચ 6 વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે 5 મેચની આ શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ પણ મેળવી લીધી છે.
માત્ર 15 વર્ષની નાની વયે ઇન્ટરનેશનલ બોલરોની ધોલાઈ કરનાર વૈભવ સૂર્યવંશી પોતાની નિર્ભીક બેટિંગને કારણે લોકપ્રિય બની ગયો છે, પરંતુ મેદાનની બહાર તેની માસૂમિયત પણ ફેન્સનું ધ્યાન ખેંચી રહી છે. વેલિંગ્ટન મેચ બાદ જ્યારે વૈભવ બાઉન્ડ્રી પાસે ફેન્સને ઓટોગ્રાફ આપી રહ્યો હતો, ત્યારે સ્ટેન્ડ્સમાંથી એક મહિલાએ તેને બૂમ પાડીને કહ્યું કે, વૈભવ, અમે પણ બલ્લિયાથી છીએ, ગરમ પાણી પીજો, ઠંડુ પાણી ના પીતા. આ નાની એવી વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
મેચ બાદ અભિષેક શર્માએ પણ વૈભવના વખાણ કરતા જણાવ્યું કે નેટ પ્રેક્ટિસ દરમિયાન વૈભવે તેને ભાગ મિલખા ભાગ મૂવીનો ડાયલોગ કહીને નિર્ભીક રમત રમવાની વાત કરી હતી. ભારતે પાવરપ્લેમાં જ એક પણ વિકેટ ગુમાવ્યા વિના 118 રન બનાવીને મેન્સ T20 ઇન્ટરનેશનલની પ્રથમ 6 ઓવરમાં સૌથી વધુ ટીમ ટોટલનો નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. અભિષેકે સ્વીકાર્યું કે વૈભવની આક્રમક શરૂઆતને કારણે બીજા છેડા પર બેટિંગ કરતા ખેલાડીનો પણ આત્મવિશ્વાસ વધી જાય છે અને આ મેચ જીતવામાં વૈભવનું યોગદાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યું હતું.
