કોલકાતાની પ્રખ્યાત સત્યજીત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ એટલે કે SRFTI ના 30 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મંગળવારે રાત્રે 11.30 વાગ્યે અંદાજે 60 પોલીસકર્મીઓ કેમ્પસની અંદર દાખલ થયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા ટોર્ચ લાઈટ માર્ચ કાઢવામાં આવી રહી હતી અને પૂતળા દહન કરવામાં આવ્યું હતું, જેના પગલે શાંતિ જાળવવાનું કારણ ધરીને પોલીસ બોલાવવામાં આવી હતી. આ ઘટના બાદ સંસ્થાના એડમિનિસ્ટ્રેશન અને સ્ટુડન્ટ્સ યુનિયન વચ્ચે મોટો વિવાદ શરૂ થઈ ગયો છે અને મામલો ગરમાયો છે.
આ માલમે વીસી સંતોષ અજમેરાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આને શાંતિપૂર્ણ વિરોધ ન કહી શકાય કારણ કે વિદ્યાર્થીઓની સાથે અન્ય લોકો પણ જોડાયા હતા અને કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ વીસી સાથે શારીરિક દુર્વ્યવહાર અને તોડફોડની ઘટનાઓ બની ચુકી છે જેના કારણે 6 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. કેમ્પસની સંપત્તિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોડી રાત્રે પોલીસને બોલાવવી જરૂરી બની ગઈ હતી. બીજી તરફ, સ્ટુડન્ટ્સ યુનિયને આ મિડનાઈટ પોલીસ એન્ટ્રીની સખત શબ્દોમાં નિંદા કરી છે અને તેને કેમ્પસનું સૈન્યીકરણ ગણાવ્યું છે. યુનિયને જણાવ્યું છે કે ફિલ્મ સ્કૂલ્સ પોલીસ બેરેક બનવા માટે નથી હોતી પરંતુ ત્યાં કલાત્મક અને લોકશાહી વિચારોનું સ્વાગત થવું જોઈએ.
બુધવારે આ મામલે ફેકલ્ટી મેમ્બર્સ અને વીસી વચ્ચે આખો દિવસ મીટિંગ ચાલી હતી જેમાં ભારે ચર્ચા અને બોલાચાલી પણ થઈ હતી. અંતે ફેકલ્ટીએ રજિસ્ટ્રારને પત્ર લખીને પોલીસને તાત્કાલિક કેમ્પસમાંથી હટાવવાની અને વાતચીત દ્વારા મામલો ઉકેલવાની માંગ કરી છે. ફેકલ્ટીના આ પગલાથી વિદ્યાર્થીઓને મોટું સમર્થન મળ્યું છે, જોકે 6 વિદ્યાર્થીઓના સસ્પેન્શન પાછા ખેંચવાની માંગ પર ફેકલ્ટીએ મૌન જાળવ્યું છે. આ વિવાદના કારણે ફેકલ્ટીએ ગોવામાં યોજાનાર IFFI માં સંસ્થાનું પ્રતિનિધિત્વ કરવાનો ઇનકાર કરી દીધો છે, જ્યારે બીજી બાજુ આગની જેમ વિરોધ પ્રદર્શન કરવાની રીત સામે પણ સવાલો ઉઠ્યા છે.
