આગામી મહિને યોજાનારી મધ્યસત્ર ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુએસ ફેડરલ રિઝર્વે તેના મુખ્ય વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઊંચા ફુગાવા છતાં ફેડે મુખ્ય વ્યાજ દર આશરે 3.9 ટકા પર યથાવત રાખ્યો છે. અગાઉ સપ્ટેમ્બરમાં ફેડે બેન્ચમાર્ક વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો, જે જુલાઈ 2023 પછીનો પહેલો દર વધારો હતો. ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ 10-2 ની બહુમતીથી બેન્ચમાર્ક ફેડરલ ફંડ રેટને 3.75 ટકા થી 4 ટકા ની રેન્જમાં જાળવી રાખવા માટે મતદાન કર્યું હતું. નિષ્ણાતોના મતે આવતા મહિને યોજાનારી ચૂંટણીઓને કારણે વ્યાજ દરમાં વધારો હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે અને ફેડ ડિસેમ્બરમાં આગામી નીતિ બેઠકમાં દર વધારી શકે તેવી શક્યતા છે.
વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર યુએસમાં લેવાયેલા આ નિર્ણયની સીધી અસર ભારત જેવા વિકાસશીલ દેશો પર પણ પડે છે. જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારે જણાવ્યું હતું કે બજારે પહેલાથી જ વ્યાજ દરોમાં વિરામ ધારણ કરી લીધો હોવાથી આની કોઈ મોટી નકારાત્મક અસર થવાની અપેક્ષા નથી. હાલમાં ક્રૂડ ઓઇલ 115 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે અને પાછલા સત્રમાં રૂપિયો 21 પૈસા ઘટીને 95.28 પર બંધ થયો હતો. તેમજ શેરબજારની વાત કરીએ તો સેન્સેક્સ 352.64 પોઈન્ટ અથવા 0.48 ટકા ઘટીને 73,246.03 પર અને નિફ્ટી 50.90 પોઈન્ટ અથવા 0.22 ટકા ઘટીને 22,698.85 પર બંધ થયો હતો. સોના અને ચાંદીના ભાવનો વ્યાજ દરો સાથે વિપરીત સંબંધ હોવા છતાં, બજારે અગાઉથી જ આ સ્થિતિનો અંદાજ લગાવી લીધો હોવાથી કિંમતોમાં કોઈ ખાસ મોટો ફેરફાર થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે.
યુએસમાં વ્યાજદરમાં સ્થિરતા અને બોન્ડ યીલ્ડ વધવાથી વિદેશી રોકાણકારો ભારત જેવા બજારોમાંથી ભંડોળ પાછું ખેંચીને યુએસમાં રોકાણ કરી શકે છે, જેનાથી રૂપિયા પર દબાણ વધી શકે છે. ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતોના આશરે 90 ટકા આયાત કરતું હોવાથી, ક્રૂડના ભાવ વધવાથી આયાત બિલ અને પરિવહન ખર્ચ વધી જાય છે, જે અંતે ફુગાવાને વધારે છે. આ તમામ પરિસ્થિતિઓને કાબૂમાં રાખવા અને રૂપિયાને સ્થિર કરવા માટે ભવિષ્યમાં આરબીઆઈ પર પણ રેપો રેટ વધારવાનું દબાણ આવી શકે છે. જો કે હાલમાં બજારમાં વેલ્યુ બાઇંગ જોવા મળી રહી છે કારણ કે ઘણા ભાગોમાં આકર્ષક ભાવે સ્ટોક ઉપલબ્ધ છે, જેથી ટૂંકા ગાળાની અસ્થિરતા વચ્ચે પણ રોકાણકારો સકારાત્મક અભિગમ રાખી રહ્યા છે.
