બુધવારે સવારે સ્પેનના સેન્ટ્રલ પ્રોવિન્સ ટોલેડોમાં મડ્રિડથી સેવિલે તરફ જઈ રહેલા રેલ રૂટ પર ઉરડા નજીક એક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટ્રેન અથામણમાં ઓછામાં ઓછા 68 લોકોનાં મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળના વાયરલ વિડિયો અને ફોટોગ્રાફ્સમાં પલટી ગયેલા ડબ્બા, ઈજાગ્રસ્ત પેસેન્જર્સ અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કામે લાગેલી ઇમરજન્સી સર્વિસીસની ટીમો સ્પષ્ટ જોઈ શકાતી હતી. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને પેસેન્જર્સને સુરક્ષિત ખસેડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મડ્રિડથી સેવિલે તરફ જઈ રહેલી RENFE કંપનીની ટ્રેને આગળ પાટા પર ઊભેલી IRYO કંપનીની ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે બંને ટ્રેનોના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. સ્પેનની રેલ ઓપરેટર એજન્સી ADIF અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ઓસ્કાર પુએન્ટેના જણાવ્યા અનુસાર, દુર્ઘટના પહેલા રેલવેની કમ્પ્યુટર કોમ્યુનિકેશન સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે 63 કિલોમીટરના વિસ્તારમાં ટ્રેનોની અવરજવર અટકી ગઈ હતી. સિસ્ટમ ફેલ થવા છતાં અને રેડ સિગ્નલ હોવા છતાં RENFE ટ્રેનને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ટ્રેન અંદાજે 124 માઇલ પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી ત્યારે આ ગંભીર ટક્કર થઈ હતી. સ્થાનિક હોસ્પિટલો અને સ્પોર્ટ્સ સેન્ટરને ટેમ્પરરી ટ્રીટમેન્ટ સાઇટ બનાવીને ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરવામાં આવી છે, જેમાં કાસ્ટિલા-લા મંચા પ્રાદેશિક સરકાર દ્વારા 58 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
આ દુર્ઘટના બાદ સ્પેનમાં ભારે રાજકીય હલચલ મચી ગઈ છે અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરના રાજીનામાની માગ સાથે યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. બુધવારે રાત્રે મડ્રિડમાં મંત્રાલય બહાર આશરે 500 દેખાવકારો એકઠા થયા હતા, જ્યાં પ્રદર્શન દરમિયાન બોટલો અને ફ્લેર્સ ફેંકવામાં આવતા પોલીસે ભીડને ખદેડવા ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. અગાઉ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં પણ કોર્ડોબા પ્રોવિન્સમાં 40થી વધુ લોકોના જીવ લેનાર ટ્રેન દુર્ઘટના સર્જાઈ ચૂકી છે, જેના કારણે રેલવે સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. હાલમાં એજન્સીઓ સિગ્નલિંગ સિસ્ટમની નિષ્ફળતા, રેડ સિગ્નલ અવગણવાના કારણો અને સમગ્ર અકસ્માતની કડીઓ જોડવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
