JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

કેરળમાં મર્સિડીઝ કાર અકસ્માત કેસઃ સગીર પુત્રના ડ્રાઇવિંગ મામલે ફસાયેલા જજને હાઈકોર્ટમાંથી રાહત

Oct 29, 2026 | 11:25 | By JAMNAGAR MIRROR
કેરળમાં મર્સિડીઝ કાર અકસ્માત કેસઃ સગીર પુત્રના ડ્રાઇવિંગ મામલે ફસાયેલા જજને હાઈકોર્ટમાંથી રાહત
કેરળના કોચીમાં થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં ફસાયેલા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજને હાઈકોર્ટે ધરપકડ સામે સુરક્ષા આપી છે. આ અકસ્માતમાં જજના 17 વર્ષના સગીર પુત્રએ કાર ચલાવી હોવાનો આરોપ છે, જ્યારે પીડિત પરિવાર દ્વારા જજ સામે પુરાવા સાથે ચેડાં કર્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

કેરળના કોચીમાં ગત 25 ઓક્ટોબરે બનેલા એક ચકચારી અકસ્માત મામલે કેરળ હાઈકોર્ટે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજને મોટી રાહત આપી છે. ચેરાનલ્લૂર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં જજના 17 વર્ષના સગીર પુત્રએ કથિત રીતે પોતાની મર્સિડીઝ-બેન્ઝ કાર બેફામ ચલાવીને એક ટુ-વ્હીલરને ટક્કર મારી હતી, જેમાં જયબાલકૃષ્ણન નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ગમખ્વાર અકસ્માત બાદ નોંધાયેલી એફઆઈઆરમાં આ જજને પણ આરોપી બનાવવામાં આવ્યા છે, જેને લઈને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. જજે પોતાની એન્ટિસિપેટરી બેઈલ માટે અરજી કરી હતી, જેના પર સુનાવણી કરતા જસ્ટિસ કૌસર એડાપ્પાગાથે પોલીસને આદેશ આપ્યો છે કે આગામી આદેશ સુધી અરજદાર જજની ધરપકડ કરવામાં ન આવે.

અરજી પર સુનાવણી દરમિયાન જજના વરિષ્ઠ વકીલ પી. વિજયા ભાનુએ કોર્ટને જણાવ્યું કે તેમના અસીલ બુધવારે પોલીસ સમક્ષ હાજર રહ્યા હતા અને તેમની 4 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી, છતાં પોલીસે વધુ એક નોટિસ પાઠવી છે. કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે 4 કલાકની પૂછપરછ છતાં ફરી પૂછપરછની શી જરૂર છે અને એક જ્યુડિશિયલ ઓફિસર હોવાથી તેમની ધરપકડ શા માટે આવશ્યક છે? બીજી તરફ, મૃતકના પરિવારના વકીલે જામીન અરજીનો સખત વિરોધ કરતા આક્ષેપ કર્યો હતો કે અકસ્માતની જાણ થયા બાદ જજે પુરાવાઓ સાથે ચેડાં કર્યા હતા. જોકે, અદાલતે સ્પષ્ટ કર્યું કે તેણે કાયદાકીય પ્રક્રિયા મુજબ જ આગળ વધવું પડશે અને હાલ પૂરતી ધરપકડ સામે સુરક્ષા આપીને સરકારી વકીલ પાસેથી આ મામલે જવાબ માંગ્યો છે.

પોતાની જામીન અરજીમાં જજે દાવો કર્યો છે કે તેમને કોઈ જાણ નહોતી કે તેમની કાર ઘરના પરિસરમાંથી બહાર લઈ જવામાં આવી છે અને તેઓ સૂતા હતા ત્યારે ફોન આવતા અકસ્માતની જાણ થઈ હતી. તેમણે એવો પણ તર્ક આપ્યો કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 મુજબ, જે ક્યુપેબલ હોમિસાઈડ સાથે જોડાયેલી છે, તેમાં એ વાત સાબિત થવી જરૂરી છે કે કૃત્યથી મૃત્યુ થવાની સંભાવનાની પૂર્વ જાણકારી હતી. આ ગંભીર મામલે મૃતકના પરિવારે કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને ફરિયાદ કરીને જજની ભૂમિકા અને આચરણ સામે તપાસની માંગ કરી છે. આ પ્રકરણમાં હાઈકોર્ટની એડમિનિસ્ટ્રેટિન્વ કમિટીએ 27 ઓક્ટોબરે પ્રાથમિક બેઠક યોજી હતી અને તપાસ એજન્સી તરફથી વધુ વિગતો અને પુરાવાઓ મળ્યા બાદ જજ સામે યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.

LATEST ARTICLES