અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પેઇડ સોશિયલ મીડિયા સર્વિસ ટ્રુથ API હવે બિઝનેસ જગતમાં ચર્ચાના કેન્દ્રમાં છે, કારણ કે બ્લૂમબર્ગ સહિતની હાઇ-ફ્રિક્વન્સી ટ્રેડિંગ ફર્મ્સે ટ્રમ્પની પોસ્ટ્સ વહેલા મેળવવા માટે આ સર્વિસ ખરીદી છે. ગયા જુલાઈ મહિનામાં ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રુપ દ્વારા આ ફાસ્ટ-એક્સેસ પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી હતી, જેનો હેતુ નાણાકીય સંસ્થાઓને સામાન્ય યુઝર્સ કરતાં 50 મિલિસેકન્ડ વહેલા ટ્રમ્પની પોસ્ટ પહોંચાડવાનો છે. આ પ્રકારની સ્પીડથી શેરબજાર કે એસેટ પ્રાઇસમાં મોટો ફેરફાર કરી શકતી ટ્રેડિંગ કંપનીઓને મોટો ફાયદો થાય છે, કારણ કે તેમની ઓટોમેટેડ સિસ્ટમ સેકન્ડના ૧૦૦૦મા ભાગમાં માર્કેટ ટ્રેન્ડ પારખીને ટ્રેડ એક્ઝિક્યુટ કરી શકે છે. ગયા એપ્રિલ મહિનામાં જ Iran યુદ્ધ અંગેની સીઝફાઇરની જાહેરાતે ઓઇલ ફ્યુચર્સ પર અસર દેખાડી હતી, જે સાબિત કરે છે કે ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ્સ માર્કેટને હલાવી નાખવા માટે પૂરતી છે.
આ ડીલ હેઠળ બ્લૂમબર્ગ ઉપરાંત અલ્ગોરિધમિક ટ્રેડિંગમાં નિષ્ણાત એવી સુસક્વેન્હા ઇન્ટરનેશનલ ગ્રુપ અને જંપ ટ્રેડિંગ જેવી મોટી ફર્મ્સો જોડાઈ હોવાના અહેવાલ છે. ટ્રમ્પ મીડિયાએ ઓગસ્ટ મહિનામાં રોકાણકારોને જણાવ્યું હતું કે તેમની પાસે 10થી વધુ કસ્ટમર એગ્રીમેન્ટ છે, જેઓ સામાન્ય રીતે દર મહિને 60,000 થી 100,000 ડોલર ચૂકવી રહ્યા છે. આ મોંઘી સર્વિસે અમેરિકન રાજકારણ અને બિઝનેસમાં મોટો વિવાદ જગાવ્યો છે. ડેમોક્રેટિક સેનેટર્સ એલિઝાબેથ વોરેન અને એડમ શિફ દ્વારા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આ મામલે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે અને તેને પદનો દુરુપયોગ ગણાવ્યો છે. બીજી તરફ, ઇન્ટરસેપ્ટ મીડિયા અને ફ્રીડમ ઓફ ધ પ્રેસ ફાઉન્ડેશન દ્વારા વ્હાઇટ હાઉસની જાહેરાતો માત્ર ટ્રુથ સોશિયલ પર જ મુકવા સામે કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં આ સર્વિસને ભ્રષ્ટ અને ગેરબંધારણીય ગણાવવામાં આવી છે.
આ સમગ્ર વિવાદ વચ્ચે ટ્રમ્પ મીડિયાની આર્થિક સ્થિતિ પર પણ સૌની નજર છે, જ્યાં રાષ્ટ્રપતિના ફેમિલી ટ્રસ્ટ પાસે કંપનીની 41% ભાગીદારી છે. માર્ચ 2024માં પબ્લિક થયેલી આ કંપનીનું માર્કેટ વેલ્યુ શરુઆતમાં અંદાજે 8 અબજ ડોલર હતું, જે હવે ઘટીને આશરે 1.8 અબજ ડોલર આસપાસ રહી ગયું છે અને આ વર્ષે કંપનીના શેરમાં 50%થી વધુનો ઘટાડો નોંધાયો છે. ટ્રમ્પ મીડિયાએ આ તમામ આક્ષેપોને ફગાવતા જણાવ્યું છે કે આ માત્ર માર્કેટમાં કંપની અને શેરહોલ્ડર્સને નુકસાન પહોંચાડવા માટે ફેલાવવામાં આવતી અફવાઓ છે અને ટ્રુથ સોશિયલ એક ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ ઓફર કરી રહી છે. આમ છતાં, સત્તા પર બેઠેલા રાષ્ટ્રપતિના નિવેદનોનું આ પ્રકારે વ્યાપારીકરણ થવાથી ભવિષ્યમાં શેરબજાર પર તેની શું અસર પડશે તે એક મોટો સવાલ બની ગયો છે.
