JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

રખડતા શ્વાનના ડેટા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારને ઝાટક્યા, પૂછ્યા તીખા સવાલ

Oct 29, 2026 | 09:10 | By JAMNAGAR MIRROR
રખડતા શ્વાનના ડેટા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારને ઝાટક્યા, પૂછ્યા તીખા સવાલ
ગુજરાતમાં રખડતા શ્વાનની સમસ્યાને લઈને હાઈકોર્ટે સરકારી એફિડેવિટ પર નારાજગી વ્યક્ત કરી છે. અધૂરા આંકડા, સેન્ટરનો અભાવ અને રસીની વિગતો ન હોવા પર કોર્ટે સવાલો ઉઠાવ્યા છે અને આગામી અઠવાડિયે વધુ સુનાવણી હાથ ધરાશે.

ગુજરાતમાં દિવસે-દિવસે વધી રહેલી રખડતા શ્વાનની સમસ્યાને લઈને હાઈકોર્ટમાં ચાલી રહેલી સુઓમોટો સુનાવણી દરમિયાન એક મોટો ખુલાસો થયો છે. રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ રજૂ કરેલા એફિડેવિટ પર હાઈકોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટનું સ્પષ્ટ માનવું છે કે શ્વાનના ખસીકરણ એટલે કે નસબંધી અને તેના રસીકરણ સંબંધિત જે આંકડા સરકારે આપ્યા છે, તે સાવ અધૂરા અને અપૂરતા છે. સામાન્ય પ્રજા માટે આ ગંભીર સમસ્યા બની ગઈ છે ત્યારે સરકારી તંત્રની આ ઉદાસીનતા સામે કોર્ટે લાલ આંખ કરી છે.

આ કેસની સુનાવણી દરમિયાન સામે આવ્યું કે છેલ્લા છ મહિનાની કામગીરીમાં રાજ્યના કુલ 34 જિલ્લાઓમાંથી માત્ર 17 જિલ્લાનો જ ડેટા રજૂ કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના 17 જિલ્લાની કોઈ માહિતી જ નથી. આટલું જ નહીં, અનેક જિલ્લાઓમાં તો એનિમલ બર્થ કન્ટ્રોલ એટલે કે ABC સેન્ટરનો પણ મોટો અભાવ જોવા મળ્યો છે. અરજદાર પક્ષે પણ જિલ્લાવાર કામગીરીના આ અધૂરા આંકડાઓનો મુદ્દો જાેરશોરથી ઉઠાવ્યો હતો, જેના કારણે સરકારની કામગીરીની પારદર્શિતા સામે મોટા સવાલો ઊભા થયા છે.

હાઈકોર્ટે સરકારને સીધા સવાલો પૂછ્યા છે કે શ્વાનની વસ્તી નિયંત્રણ માટે આખરે શું નક્કર પગલાં ભરવામાં આવ્યા છે. આ ઉપરાંત, શ્વાનને જે રસી આપવામાં આવે છે તે કઈ કંપનીની છે અને તેની કોઈ આડઅસર થાય છે કે નહીં, તેની વિગતો પણ કોર્ટે માંગી છે. આ ગંભીર મામલે આગામી અઠવાડિયે ગુજરાત હાઈકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરાવાની છે, જેમાં સરકાર તરફથી વધુ ખુલાસાઓ રજૂ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

LATEST ARTICLES