JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમેરિકાની ન્યુક્લિયર લેબમાં ભીષણ આગથી ખળભળાટ, રેડિયોએક્ટિવ લીકેજના ખતરા વચ્ચે કટોકટી જાહેર

Oct 29, 2026 | 09:10 | By JAMNAGAR MIRROR
અમેરિકાની ન્યુક્લિયર લેબમાં ભીષણ આગથી ખળભળાટ, રેડિયોએક્ટિવ લીકેજના ખતરા વચ્ચે કટોકટી જાહેર
અમેરિકાના દક્ષિણ કેરોલિનામાં આવેલી સવાન્ના રિવર નેશનલ લેબોરેટરીમાં સાંજના સમયે અચાનક આગ ફાટી નીકળતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને સદનસીબે બહારના વિસ્તારમાં રેડિયોએક્ટિવ લીકેજ થયું હોવાના કોઈ અહેવાલ નથી.

અમેરિકાના દક્ષિણ કેરોલિનામાં આવેલી એક મહત્વપૂર્ણ ન્યુક્લિયર લેબમાં આગ લાગવાની ઘટનાથી ભારે ખળભળાટ મચી ગયો હતો. એકેન શહેર નજીક આવેલી સવાન્ના રિવર સાઇટ સંકુલની સવાન્ના રિવર નેશનલ લેબોરેટરીમાં આગ ફાટી નીકળતાં તાત્કાલિક કટોકટી જાહેર કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના સાંજે 5:39 વાગ્યે બની હતી અને આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આકસ્મિક આગની આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને અફરાતફરી જેવું વાતાવરણ સર્જાયું હતું.

લગભગ 2 કલાકની ભારે જહેમત બાદ ફાયર ટીમ દ્વારા આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતાં સાવચેતીના ભાગરૂપે લેબોરેટરીના પ્રવેશદ્વારો બંધ કરી દેવાયા હતા તેમજ આસપાસના વિસ્તારમાં રેલવે, નદી અને હવાઈ ટ્રાફિક પર કડક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા હતા. સૌથી મોટો સવાલ રેડિયોએક્ટિવ લીકેજના ખતરાનો હતો, પરંતુ રાહતની વાત એ રહી કે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે અસરગ્રસ્ત ઇમારતની બહાર કોઈપણ પ્રકારની કિરણોત્સર્ગી સામગ્રી ફેલાઈ હોવાની પુષ્ટિ થઈ નથી. બિનજરૂરી કર્મચારીઓને સુરક્ષિત જગ્યાએ રહેવા સૂચના અપાઈ હતી અને સ્થાનિક લોકોને સત્તાવાર માધ્યમો દ્વારા જ અપડેટ રહેવા અપીલ કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે 1950ના દકાથી કાર્યરત સવાન્ના રિવર સાઇટ અમેરિકાના પરમાણુ કાર્યક્રમ અને રાષ્ટ્રીય સુરક્ષામાં 75 વર્ષથી પણ વધુ સમયથી અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે જ્યાં પ્લુટોનિયમ-239 જેવી સામગ્રી અને ન્યુક્લિયર વેસ્ટનું સંચાલન થાય છે. આ અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું અને અંદરના ભાગે કોઈ નુકસાન થયું છે કે કેમ તે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ હાલ ચાલી રહી છે, જોકે સદનસીબે હાલ કોઈ મોટો જાનમાલ કે રેડિયોએક્ટિવ આપત્તિનો ખતરો ન હોવાથી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.

LATEST ARTICLES