મુંબઈની બોમ્બે હાઈકોર્ટમાં મંગળવારના રોજ સુનાવણી દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં જજ દ્વારા વિરુદ્ધમાં ઓર્ડર આપતા એક મહિલા લિટિગન્ટ ગુસ્સાથી બેકાબૂ થઈ ગઈ હતી. મામલો એવો હતો કે જસ્ટિસ માધવ જામદારની બેંચ સમક્ષ એક કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી ચાલી રહી હતી. કોર્ટે મિન્ડર ગુરમીત સિંહ ઠુકરાલ અને તેના બાળકો વિરુદ્ધ ખાલી કરવાનો ઓર્ડર પાસ કર્યો હતો, જેનાથી ગુસ્સે ભરાઈને મહિલાએ અદાલતમાં જ અશોભનીય વર્તન શરૂ કરી દીધું હતું અને જજ તરફ પર્સ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેણે અંત ક્ષણે પોતાને રોકી લીધી હતી અને માફી પણ માંગી હતી, પરંતુ કોર્ટે આ સમગ્ર ઘટનાને અત્યંત ગંભીરતાથી નોંધી હતી.
આ સમગ્ર વિવાદની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, મકાનમાલિક દ્વારા 2009માં ઠુકરાલના સસરા સામે મિલકત ખાલી કરાવવા માટેનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસમાં એપ્રિલ 2025માં ઇવિક્શન ડી્રી એક્ઝિક્યુટ કરવામાં આવી હતી અને મિલકત ખાલી કરાવાઈ હતી, પરંતુ તે પછી ઠુકરાલ પરિવાર ગેરકાયદેસર રીતે ફરીથી તે પ્રોપર્ટીમાં ઘૂસી ગયો હતો. આ બાબતે મકાનમાલિકના પરિવારે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી. જસ્ટિસ માધવ જામદારે આ કાર્યવાહી દરમિયાન નોંધ્યું હતું કે પ્રતિવાદીઓનું આ કૃત્ય ન્યાયતંત્રના કામકાજમાં સીધી દખલગીરી સમાન છે અને તે કોર્ટની અવમાનના વ્યાખ્યામાં આવે છે. કોર્ટે કડક રૂપેણ આદેશ આપ્યો હતો કે બુધવાર સુધીમાં કોર્ટ રીસીવર દ્વારા મિલકતનો સાંકેતિક કબજો મેળવી લેવામાં આવે અને ગુરુવારે મકાનમાલિકને સત્તાવાર રીતે કબજો સોંપવામાં આવે. જો કબજો સોંપવામાં ન આવે તો પોલીસ પ્રોટેક્શનની મદદથી ફિઝિકલ કબજો લઈને તરત જ મકાનમાલિકને સોંપવા માટે પણ આદેશ કરાયો હતો.
આ કડક ઓર્ડર સાંભળતા જ મિન્ડર ગુરમીત સિંહ ઠુકરાલ કોર્ટરૂમમાં રડવા અને બૂમાબૂમ કરવા લાગી હતી. તેણે આવેશમાં આવીને જજ પર પર્સ ફેંકવાની કોશિશ કરી હતી અને બાદમાં લેખિત માફી પણ રજૂ કરી હતી. પરંતુ જસ્ટિસ જામદારે તેની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે માત્ર કોર્ટનો ઓર્ડર તમારા વિરુદ્ધ આવ્યો તેનો અર્થ એ નથી કે તમે આ પ્રકારે બેફામ વર્તન કરશો. પરિસ્થિતિ વણસતા જજે તાત્કાલિક પોલીસ બોલાવી હતી, જેણે મહિલાને કોર્ટરૂમમાંથી બહાર કાઢી હતી. કોર્ટે આ મામલે મહિલા અને અન્ય પ્રતિવાદીઓના વર્તનને ધ્યાનમાં રાખીને ભારે કોસ્ટ ફટકારવાના સંકેત આપ્યા છે અને આગામી સુનાવણી 30 ઓક્ટોબરના રોજ નક્કી કરી છે.
