બનાસકાંઠા જિલ્લાના નવોગઠિત તાલુકા મથક હડાદમાં મહત્તમ ગરીબ અને આદિવાસી વસ્તી રહે છે. આ વિસ્તારની ભોળી અને ઓછું ભણતર ધરાવતી બહેનોને પોતાના પગભર થવાની લાલચ ભારે પડી છે. ઘરકામની સાથે થોડી કમાણી થાય તેવા આશયથી સ્વરોજગાર શરૂ કરવા માગતી મહિલાઓને નિશાન બનાવીને એક ચોંકાવનારી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ કિસ્સામાં આર્થિક રીતે નબળા વર્ગની લગભગ 150 બહેનો સાથે વિશ્વાસઘાત થયો છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ સમગ્ર કૌભાંડ પાછળ સાબરકાંઠાના હિંમતનગરની ધરતી NGO સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. આ સંસ્થાની સંચાલિકા નિશાબેન પરમારે હડાદ પંથકની બહેનો પાસેથી તાલીમ અને મશીનના નામે રૂ.2,000 નું ઉઘરાણું કર્યું હતું. શરૂઆતમાં 3 મહિનાની તાલીમ આપવાનું નક્કી થયું હતું, પરંતુ માંડ એક મહિનો પણ પૂરો થયા વગર જ સંચાલિકા પૈસા લઈને ફરાર થઈ ગઈ હતી. બહેનોને એવું વચન આપવામાં આવ્યું હતું કે તાલીમ પૂરી થયા બાદ ઉષા અરુ કંપનીનું મોટરવાળું સિલાઈ મશીન ફ્રીમાં આપવામાં આવશે, પરંતુ આજદિન સુધી કોઈને પણ મશીન મળ્યું નથી અને છેવટે ઠગાઈ થઈ હોવાનું બહાર આવ્યું છે.
આ મામલે હડાદ પંથકની અંદાજે 60 જેટલી પ્રભાવિત મહિલાઓ આગળ આવીને હડાદ પોલીસ મથક તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારીઓને લેખિત અરજી આપી છે. દાંતા અને હડાદ જેવા પછાત વિસ્તારોમાં ભોળી પ્રજાને ટાર્ગેટ કરીને ચાલતા આવા ઠગ અને અસામાજિક તત્વોને વહેલી તકે પોલીસ ઝડપી પાડે તેવી ઉગ્ર માંગ ઊઠી છે. સરકારી યોજનાઓ કે NGOના નામે ગરીબોની મજબૂરીનો લાભ લેતા આવા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રજાની પ્રબળ લાગણી છે.
