દિલ્હી હાઈકોર્ટે બુધવારે કેન્દ્ર સરકારના એ નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી પીઆઈએલને ફગાવી દીધી છે, જેમાં નોન-રેસિડેન્ટ ઇન્ડિયન્સ એટલે કે એનઆરઆઈ માટે પાસપોર્ટની ફીમાં કરાયેલા વધારાને પડકારવામાં આવ્યો હતો. કોર્ટે સુનાવણી દરમિયાન અવલોકન કર્યું હતું કે 14 વર્ષના લાંબા સમયગાળા બાદ ફીમાં થયેલો 67 ટકા વધારો જરાય અયોગ્ય કે વધારે પડતો નથી. આ મામલે એક્ટિંગ ચીફ જસ્ટિસ નિતિન વાસુદેવ સાંબ્રે અને જસ્ટિસ સંજય શર્માની બેન્ચે ચુકાદો આપતા જણાવ્યું હતું કે પાસપોર્ટની ફી નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર સરકારના નીતિગત દાયરામાં આવે છે અને આવા મામલાઓમાં જ્યુડિશિયલ હસ્તક્ષેપ યોગ્ય નથી.
આ સમગ્ર વિવાદ અંગે વાત કરીએ તો, પ્રવાસી લીગલ સેલ દ્વારા કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી જેમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે એનઆરઆઈ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. નિયમો અનુસાર દેશમાં રહેતા નાગરિકોએ પાસપોર્ટ માટે 2500 રૂપિયા ચૂકવવા પડે છે, જ્યારે એનઆરઆઈએ આશરે 11,900 રૂપિયા ચૂકવવા પડે છે. અરજદારનું માનવું હતું કે વિદેશમાં રહેતા ભારતીયો માટે આ ફી ખૂબ જ વધારે છે અને તેમાં રાહત મળવી જોઈએ, પરંતુ કોર્ટે સરકારના તર્કને માન્ય રાખતા આ અરજી ફગાવી દીધી છે.
કોર્ટના આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે એનઆરઆઈ માટે હાલ તો પાસપોર્ટ ફીમાં કોઈ ઘટાડો નહીં થાય અને તેમણે નિર્ધારિત કરેલી રકમ જ ભરવી પડશે. દેશના નાગરિકો અને વિદેશમાં વસતા ભારતીયો વચ્ચેના પાસપોર્ટ શુલ્કના તફાવતને લઈને દાખલ થયેલી આ અરજી રદ થવાથી સરકારના જૂના નિર્ણય પર મહોર લાગી ગઈ છે. સરકાર દ્વારા લેવાયેલા આ નીતિગત નિર્ણય સામે હવે આ કાનૂની લડાઈનો અંત આવ્યો છે અને આગામી સમયમાં પણ આ જ નિયમ અમલમાં રહેશે.
