બ્રાઝિલના સેનેટર ફ્લેવિયો બોલસોનારોએ દેશના રાજકારણમાં મોટો ધડાકો કરતા જાતને દેશના સાચા પ્રેસિડેન્ટ-ઇલેક્ટ જાહેર કરી દીધા છે. બુધવારે બ્રાઝિલિયન નાગરિકો અને ઇન્ટરનેશનલ કોમ્યુનિટીને સંબોધિત કરતા લાંબા નિવેદનમાં તેમણે પ્રેસિડેન્ટ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાની સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. ફ્લેવિયોએ સ્પષ્ટ કર્યું છે કે તે રાજકીય ઉત્પીડન અને વધી રહેલી તાનાશાહીથી બચવા માટે પરિવાર સાથે યુએસ આવ્યા છે અને આ કોઈ પલાયન નથી, પરંતુ બ્રાઝિલની ભલાઈ માટે લેવાયેલું પગલું છે. તેમણે પોતાના પરિવાર માટે યુએસમાં કાનૂની સુરક્ષા મળી હોવાનું જણાવીને યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને આર્જેન્ટિનાના પ્રેસિડેન્ટ જેવિયર મિલેઈનો આભાર પણ માન્યો છે.
આ નિવેદનમાં ફ્લેવિયોએ ગત 25 ઓક્ટોબરના રોજ યોજાયેલી ચૂંટણીમાં મોટાપાયે ફ્રોડ થયાનો દાવો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે લુલાએ પહેલા અને બીજા રાઉન્ડ વચ્ચે 10 મિલિયનથી વધુ વોટ્સ મેળવ્યા હતા જે એક ગાણિતિક અશક્યતા છે. આ સાથે તેમણે સુપ્રીમ ફેડરલ કોર્ટ અને જ્યુડિશિયલ ઓથોરિટી પર પોતાના અને પૂર્વ પ્રેસિડેન્ટ પિતા જૈર બોલસોનારો વિરુદ્ધ રાજકીય બદઈરાદાથી કામ કરવાનો તેમજ પાસપોર્ટ જપ્ત કરવાથી લઈને હાઉસ અરેસ્ટ સુધીના ષડયંત્ર રચવાનો આક્ષેપ કર્યો છે. જો કે, તેમની લિબરલ પાર્ટી (PL) એ અગાઉ સત્તાવાર ચૂંટણી પરિણામો સ્વીકારી લીધા હતા અને ફ્લેવિયોના આ દાવાઓ અંગે કોઈ સચોટ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
હવે ફ્લેવિયોએ જાહેરાત કરી છે કે તે યુએસમાં રહીને જ બ્રાઝિલના ઓપોઝિશનનું નેતૃત્વ કરશે અને જે સમર્થકો પોતાના દેશમાં મુક્તપણે બોલી નથી શકતા તેમનો અવાજ બનશે. તેમણે સેનેટની પ્રેસિડેન્ટશિપ માટે સેનેટર રોગેરિયો મારિનહોના નામનું સમર્થન કર્યું છે અને શાંતિપૂર્ણ તેમજ કાયદેસરના માધ્યમોથી ઓપોઝિશનને એકૂઠા કરવાની રણનીતિ ટૂંક સમયમાં જાહેર કરવાની વાત કહી છે. તેમના આ પગલાથી બ્રાઝિલના રાજકારણમાં વિવાદ વધુ વકર્યો છે અને લુલા સરકાર સામેનો વિરોધ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
