બુધવારે કેન્દ્ર સરકારે ટેક્સટાઈલ સેક્ટર માટે અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરતા PLI સ્કીમને 2033-34 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. ચોથા રાઉન્ડ હેઠળ મંજૂર થયેલી કંપનીઓ માટે આ સ્કીમની મુદત વધારવામાં આવી છે, જેથી આ સેક્ટરમાં નવા રોકાણો આવી શકે અને ઉદ્યોગોને વેગ મળી શકે. અગાઉ આ સ્કીમ વર્ષ 2029-30 સુધી જ અમલમાં રહેવાની હતી, પરંતુ ઉદ્યોગોને લાંબો સમયગાળો મળી રહે તે હેતુથી તેમાં ફેરફાર કરાયો છે.
આ યોજનામાં વધુમાં વધુ MSME કંપનીઓ જોડાઈ શકે તે માટે મંત્રાલયે નિયમોમાં પણ મોટી રાહત આપી છે. સ્કીમના પાર્ટ 2 હેઠળ ઓછા રોકાણની પ્રતિબદ્ધતા ધરાવતા ઉત્પાદકો માટે લઘુત્તમ ટર્નઓવરની શરત 200 કરોડ રૂપિયાથી ઘટાડીને સીધી 100 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. આ નિયમ હળવા થવાથી નાના અને મધ્યમ કદના મેન્યુફેક્ચરર્સ પણ આ યોજનાનો લાભ મેળવી શકશે અને પોતાની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારી શકશે.
આગામી સમયમાં આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક કંપનીઓ માટે ટેક્સટાઈલ મંત્રાલય દ્વારા 1 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અરજી માટેનું ઓનલાઈન પોર્ટલ ફરીથી ખોલવામાં આવશે. જે કંપનીઓ મેન મેડ ફાઈબર એટલે કે MMF અપેરેલ, MMF ફેબ્રિક્સ અને ટેકનિકલ ટેક્સટાઈલનું ઉત્પાદન કરવા માંગતી હોય તેઓ આ સમયગાળા દરમિયાન પોતાના પ્રપોઝલ જમા કરાવી શકશે. સરકારના આ પગલાથી ટેક્સટાઈલ ક્ષેત્રમાં રોજગારીની તકો વધશે અને ભારત વૈશ્વિક સ્તરે મજબૂત થશે.
