JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ડિજિટલ અરેસ્ટના કેસમાં હવે આરોપીઓને નહીં મળે જામીન, સુપ્રીમ કોર્ટની કડક ચેતવણી

Oct 29, 2026 | 01:55 | By JAMNAGAR MIRROR
ડિજિટલ અરેસ્ટના કેસમાં હવે આરોપીઓને નહીં મળે જામીન, સુપ્રીમ કોર્ટની કડક ચેતવણી
દેશભરમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટના ગુનાઓ પર લગામ કસવા માટે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વરિષ્ઠ નાગરિકોને શિકાર બનાવનારા આવા આરોપીઓને જામીન ન આપવા માટે અદાલતોને નિર્દેશ આપી શકાય છે. તેમજ આવા ગુનાઓને સામાન્ય નહીં પણ ડાકોઈટી સમાન ગણાવ્યા છે.

દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવતા 'ડિજિટલ અરેસ્ટ'ના કૌભાંડો સામે હવે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. બુધવારે સુપ્રીમ કોર્ટની બેન્ચે સુનાવણી દરમિયાન ખૂબ જ સખત ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, જો પરિસ્થિતિની માંગ હશે તો કોર્ટ ડિજિટલ અરેસ્ટના કેસમાં પકડાયેલા આરોપીઓને જામીન આપવાથી રોકવા માટે નીચલી અદાલતોને નિર્દેશ આપી શકે છે. કોર્ટે આ કૌભાંડમાં સંડોવાયેલા લોકોને કઠેડામાં લેતા કહ્યું કે, મહેનતની કમાણી લૂંટવાના આવા ગુનાઓ માટે એક્સટોર્શન શબ્દ પણ ખૂબ હળવો છે, હકીકતમાં આ તો સીધી ડાકોઈટી સમાન ગંભીર અપરાધ છે.

આ કેસની સુનાવણી દિલ્હીના એક અરજદાર સાથે જોડાયેલી હતી, જેની સામે સાયબર ફ્રોડના પૈસા જમા કરાવવા માટે મ્યુલ એકાઉન્ટ પૂરા પાડવાનો આરોપ છે. અરજદારના વકીલે જુદા જુદા રાજ્યોમાં નોંધાયેલા અનેક કેસોને એક જ જગ્યાએ ક્લબ કરવાની માંગ કરી હતી. રેકોર્ડ તપાસ્યા બાદ કોર્ટે એ પણ નોંધ્યું હતું કે આ સિન્ડિકેટના પહેલા શિકારોમાં એર્નાકુલમના એક 81 વર્ષીય નાગરિક પણ સામેલ હતા, જેમની પાસેથી ઠગોએ 1.9 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. કોર્ટે સવાલ કર્યો હતો કે શું તમે ઈચ્હો છો કે આવા વરિષ્ઠ અને પીડિત નાગરિકો ફરિયાદી તરીકે નિવેદન આપવા માટે બીજા રાજ્યોમાં ધક્કા ખાય? કોર્ટે સ્પષ્ટ કર્યું કે તપાસ તે જ રાજ્યની પોલીસ કરશે જેની હદમાં પીડિત સાથે ફ્રોડ થયું હોય.

જ્યારે વકીલે બચાવ કર્યો કે અરજદારને જ્યારે ખબર પડી કે તેના એકાઉન્ટનોુરઉપયોગ થઈ રહ્યો છે ત્યારે તેણે પોતે જ ફરિયાદ કરી હતી, ત્યારે કોર્ટે ફગાવી દેતા કહ્યું કે અમે આ ક્રાઈમ સિન્ડિકેટના ફૂટ સોલ્જર્સને તપાસ લાઈનથી ભટકાવવા નહીં દઈએ. કોર્ટે એમ પણ ઉમેર્યું કે વધુમાં વધુ અરજદાર સંબંધિત હાઈકોર્ટમાં જઈને એક જ રાજ્યમાં થતી તમામ તપાસને એક જ એજન્સી દ્વારા ભેગી કરવા માટે અરજી કરી શકે છે. અંતે સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે ન્યાયનું પલ્લું હંમેશા સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટના નિર્દોષ પીડિતોની બાજુમાં જ નમવું જોઈએ, અને આ અરજી ફગાવી દેવામાં આવી હતી.

LATEST ARTICLES