બુધવારના રોજ યમનના હૂતી વિદ્રોહીઓએ એડેન એરપોર્ટ પર ભીષણ હુમલો કર્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈરાન સમર્થિત આ જૂથે હિંસા વધતાની સાથે જ એરપોર્ટ ખાલી કરવાની કડક ચેતવણી આપી હતી અને ત્યારબાદ આ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. દક્ષિણ યમનના આ મુખ્ય પ્રવેશદ્વાર અને માનવતાવાદી સહાયના મહત્ત્વપૂર્ણ કેન્દ્ર પર હુમલો થતાં સ્થાનિક રહેવાસીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
પરિવહન મંત્રાલયના 2 અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ હુમલા બાદ તરત જ એરપોર્ટ પર હવાઈ ટ્રાફિક સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. એક એઈડ સોર્સ પાસેથી મળેલી માહિતી મુજબ, હુમલો થતાંની થોડીવાર પહેલા જ યુએન (UN) ના કેટલાક સ્ટાફ મેમ્બર્સ એરપોર્ટ છોડીને સુરક્ષિત સ્થળે જતા રહ્યા હતા, જેના કારણે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. હૂતી પ્રવક્તા યહ્યા સરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે, સાઉદી અરેબિયાનું એક મિલિટરી કાર્ગો એરપોર્ટ પર હથિયારો પહોંચાડી રહ્યું હોવાને કારણે જ આ ચેતવણી આપવામાં આવી હતી, જોકે સાઉદી ઓથોરિટી તરફથી આ અંગે કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા સામે આવી નથી.
આ ઘટના સાથે જ મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ વધુ ઘેરો બન્યો છે, જેની અસર અન્ય ક્ષેત્રો પર પણ દેખાઈ રહી છે. આ વધતા જોખમને ધ્યાનમાં રાખીને યુએસ (US) મિલિટરીએ ઓમાનની ખાડી અને સ્ટ્રાઈટ ઓફ હોર્મુઝ વચ્ચે બિનજરૂરી હિલચાલ ન કરવા અને જહાજોને સુરક્ષિત અંતર જાળવવાની ચેતવણી આપી છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે, યુએન ન્યૂક્લિયર એજન્સીના વડાએ જણાવ્યું છે કે આ વર્ષે અથવા પાછલા વર્ષે થયેલા હુમલાઓમાં નુકસાન પામેલા ઈરાનના ન્યૂક્લિયર પ્લાન્ટ્સને રિપેર કે રીકન્સ્ટ્રક્ટ કરવાના કોઈ સંકેતો હાલમાં દેખાયા નથી.
