અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે હવે કતારના મધ્યસ્થીઓએ મોરચો સંભાળ્યો છે. ગત રવિવારે જ કતારે ઈરાનને યુદ્ધનો અંત લાવવા માટે એક નવો ડ્રાફ્ટ ડીલ સોંપ્યો છે, જેના પર હવે તેહરાન ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાઈલ દ્વારા આ વર્ષની ફેબ્રુઆરીમાં શરૂ કરાયેલા આ યુદ્ધને અટકાવવા માટે કતારની સાથે પાકિસ્તાન પણ મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. આશા છે કે ઈરાન આ નવા ડ્રાફ્ટ પર આ અઠવાડિયાના અંત સુધીમાં પોતાનો સત્તાવાર જવાબ મોકલી આપશે.
વાટાઘાટો સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર, નવા ડ્રાફ્ટમાં તેહરાન અને વોશિંગ્ટન બંનેની ચિંતાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ડીલમાં બંને દેશો વચ્ચે વિશ્વાસ વધારવા માટે 7 દિવસની ટાઈમલાઈન નક્કી કરવામાં આવી છે, જેમાં બંને પક્ષોએ રોજ કયા પગલાં લેવા પડશે તેની સ્પષ્ટ રૂપરેખા આપવામાં આવી છે. જો બધું સમુંસૂતરું પાર ઉતર્યું તો આવતા અઠવાડિયાની શરૂઆતથી જ આ પ્રક્રિયા શરૂ થઈ શકે છે અને કેટલાક દેશો આ કરારના ગેરંટર બનશે. આ દરમિયાન સામે આવેલી પેન્ટાગોનની માહિતી મુજબ, યુદ્ધ લડવામાં અમેરિકન સેના અત્યાર સુધીમાં 47 અબજ ડૉલરથી વધુનો ખર્ચ કરી ચૂકી છે, જે જુલાઈના અંદાજ કરતાં 25% વધુ છે.
અમેરિકા માટે આ યુદ્ધ આર્થિક રીતે પણ ભારે સાબિત થઈ રહ્યું છે અને સંરક્ષણ વિભાગના અંદાજ કરતાં ઘણો વધુ ખર્ચ થઈ ચૂક્યો છે. આ મોંઘા અને લોકપ્રિય ન હોય તેવા યુદ્ધના રાજકીય પરિણામો પણ સામે આવી રહ્યા છે, ખાસ કરીને 3 નવેમ્બરની ઇલેક્શન પહેલા રિપબ્લિકન પાર્ટી આના નુકસાન સામે ઝઝૂમી રહી છે. હવે સૌની નજર ઈરાનના જવાબ પર ટકેલી છે કે તે આ શાંતિ પ્રસ્તાવને કેવી રીતે સ્વીકારે છે. જો આ ડ્રાફ્ટ પર સમજૂતી સધાઈ જાય, તો મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાની દિશામાં આ એક મોટો અને નિર્ણાયક વળાંક સાબિત થશે.
