JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

જાપાનની નજર હવે ભારતના મિસાઈલ અને ડ્રોન ટેસ્ટિંગ રેન્જ પર, ડિફેન્સ સહયોગ વધુ મજબૂત થશે

Oct 29, 2026 | 00:35 | By JAMNAGAR MIRROR
જાપાનની નજર હવે ભારતના મિસાઈલ અને ડ્રોન ટેસ્ટિંગ રેન્જ પર, ડિફેન્સ સહયોગ વધુ મજબૂત થશે
ચીન સામેની વધતી ટેન્શન વચ્ચે જાપાન પોતાના ડિફેન્સ દળોને વધુ મજબૂત બનાવવા માટે ભારતની મદદ માંગી રહ્યું છે. જાપાની અધિકારીઓએ ભારતમાં લાઈવ ફાયરિંગ રેન્જ અને ટેસ્ટિંગ ફેસિલિટીઝનું નિરીક્ષણ કર્યું છે, જેનાથી બંને દેશો વચ્ચેનો સૈન્ય સહયોગ આગામી દિવસોમાં નવી ઊંચાઈએ પહોંચશે.

નવી દિલ્હીથી સામે આવેલા અહેવાલો મુજબ ભારત અને જાપાન વચ્ચે ડિફેન્સ ક્ષેત્રે સહયોગ હવે વધુ ગાઢ બની રહ્યો છે અને જાપાન પોતાના સૈન્ય દળો માટે ભારતની લાઈવ ફાયરિંગ રેન્જમાં એન્ટી-શિપ મિસાઈલ તેમજ ડ્રોન ઓપરેશન્સની ટ્રેનિંગ આપવા માટે વિચારી રહ્યું છે. આ દિશામાં આગળ વધતા જાપાનના ડિફેન્સ મંત્રાલય દ્વારા ખાસ અધિકારીઓની એક ટીમ ભારતમાં મોકલવામાં આવી હતી, જેમણે ભારતના વિવિધ ટેસ્ટિંગ સેન્ટર્સ અને ફાયરિંગ રેન્જની મુલાકાત લીધી છે. ખાસ કરીને પ્રાદેશિક સ્તરે ચીનની વધી રહેલી આક્રમકતા અને દરિયાઈ વિસ્તારોમાં તેના વધતા દાવાઓને ધ્યાનમાં રાખીને જાપાન પોતાની સૈન્ય તાકાત વધારવા પર પૂરતું ધ્યાન આપી રહ્યું છે.

આગામી યોજનાઓને આખરી સ્વરૂપ આપવા માટે જાપાની અધિકારીઓની આ ટીમ દ્વારા મિડ-મે એટલે કે મધ્ય મે મહિના દરમિયાન ભારતમાં આવીને લાઈવ ફાયરિંગ રેન્જ અને ટેસ્ટિંગ ફેસિલિટીઝનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે, પ્રસ્તાપ ફાઇનલ થયા બાદ કઈ ચોક્કસ મિસાઈલના ટેસ્ટિંગ ફાયરિંગ કરવામાં આવશે તે અંગે હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી. અગાઉ પણ જાપાન દ્વારા ફિલિપાઈન્સમાં સરફેસ-ટુ-શિપ મિસાઈલ લોન્ચ કરવાની પ્રેક્ટિસ કરવામાં આવી છે અને અમેરિકા તથા ઓસ્ટ્રેલિયા સાથે પણ આવી ડ્રીલ્સ યોજવામાં આવી છે. ભારતીય નેવી પાસે ઓડિશાના ચાંદીપુર ખાતે સૌથી મોટી લાઈવ ફાયરિંગ રેન્જ ઉપલબ્ધ છે, તેમજ કોચીમાં નેવલ ગનરી માટે ખાસ સિમ્યુલેટર્સ અને ટ્રેનિંગ ફેસિલિટીઝ પણ મોજૂદ છે.

ભારત અગાઉ પણ સિંગાપોર જેવા મિત્ર દેશોને પોતાની ગ્રાઉન્ડ ફાયરિંગ રેન્જ અને ટ્રેનિંગ ફેસિલિટીઝનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ચૂક્યું છે અને વિદેશી સૈનિકોને તાલીમ પૂરી પાડી છે. હવે ભારત અને જાપાન વચ્ચે નેવલ અને એર એમ બંને ક્ષેત્રોમાં મિલિટરી ટ્રેનિંગની પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ રણનીતિક ભાગીદારીથી એશિયામાં સુરક્ષાનું ચિત્ર વધુ મજબૂત બનશે અને બંને દેશોના ડિફેન્સ સંબંધોને એક નવો વેગ મળશે તેવી પૂરી શક્યતા છે.

LATEST ARTICLES