ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ એટલે કે GSFC દ્વારા જામનગરમાં એક મોટો પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવવામાં આવી છે. આ પ્લાન્ટમાં સલ્ફ્યુરિક અને ફોસ્ફોરિક એસિડનું ઉત્પાદન કરવામાં આવશે, જે દેશમાં જ ફર્ટિલાઈઝર બનાવવા માટે જરૂરી કાચી સામગ્રીનો પુરવઠો સતત જાળવી રાખવામાં મદદ કરશે. વર્તમાન સમયમાં વૈશ્વિક તણાવ અને પશ્ચિમ એશિયાની કટોકટીના કારણે આયાત પર અસર પડી રહી છે અને ભાવ પણ વધી રહ્યા છે, ત્યારે આ ઘરેલુ ઉત્પાદન દેશ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
આ પ્રસ્તાવિત પ્લાન્ટ જામનગરમાં કંપનીના હાલના યુનિટની નજીક જ બનાવવામાં આવશે. આ પ્લાન્ટમાં દરરોજ 600 મેટ્રિક ટન ફોસ્ફોરિક એસિડ અને 1800 મેટ્રિક ટન સલ્ફ્યુરિક એસિડની ક્ષમતા હશે. આ બંને કેમિકલ્સ ડીએપી એટલે કે ડાય-એમોનિયમ ફોસ્ફેટ અને વિવિધ એનપીકે ગ્રેડના ખાતરો બનાવવા માટે અનિવાર્ય છે. પશ્ચિમ એશિયાના સંકટને કારણે સલ્ફરની ઉપલબ્ધતા ઘટતાં તેના ભાવ અગાઉના 550 ડૉલરથી વધીને 1000 થી 1100 ડૉલર પ્રતિ ટન સુધી પહોંચી ગયા છે, જેના કારણે ખાતરનું ઉત્પાદન પ્રભાવિત થયું છે.
સરકાર સમર્થિત કંપની GSFC યુરિયા, ડીએપી અને એમોનિયમ સલ્ફેટ સહિત અનેક સબસીડીવાળા ખાતરોનું વિશાળ પોર્ટફોલિયો ધરાવે છે. જામનગરના સિક્કા સંકુલમાં કંપની દ્વારા ફોસ્ફેટ આધારિત ખાતરોનું ઉત્પાદન કરવામાં આવે છે, જેના માટે ફોસ્ફોરિક એસિડનો ભરોસાપાત્ર પુરવઠો ખૂબ જ જરૂરી છે. એસિડ ઉત્પાદનને પોતાની ફર્ટિલાઈઝર ઓપરેશન્સ સાથે જોડવાથી GSFC બાહ્ય આંચકાઓ સામે પોતાની સપ્લાય ચેઈનને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવી શકશે.
