ચેન્નાઈના અડયાર વિસ્તારમાં રહેતા અને જાણીતા ઇકોનોમિસ્ટ એ. કલૈયારસનને એક સવારે અણધારી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બુધવારે સવારે 5 વાગ્યે સાદા વસ્ત્રોમાં આવેલા 3 પોલીસકર્મીઓ તેમને નાઇટ સૂટમાં જ ઘરથી ઉઠાવીને શંકર નગર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. કોઈ સ્થાનિક ટીવીકે એમએલએ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ વાયરલ થઈ હોવાના મામલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. કલૈયારસન મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝમાં એસોસિયેટ પ્રોફેસર છે અને ધ ડ્રવિડિયન મોડેલ નામના પુસ્તકના લેખક પણ છે. તેમણે શરૂઆતથી જ સ્પષ્ટતા કરી હતી કે આ પ્રકારનું કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ તેઓ વાપરતા નથી, છતાં પોલીસે તેમની વાત સાંભળ્યા વગર આ પગલું ભર્યું હતું.
ઘટનાની વિગતો મુજબ, પ્રોફેસરને ભાડાની કારમાં બેસાડીને લઈ જવામાં આવ્યા ત્યારે પોલીસકર્મીઓએ ન તો કોઈ સત્તાવાર ફરિયાદ કે એફઆઈઆર બતાવી કે ન તો પૂછપરછ માટેના કોઈ કાયદેસરના દસ્તાવેજો રજૂ કર્યા હતા. રસ્તામાં પરિવારજનોનો સંપર્ક કરવા માટે ફોન માંગવા છતાં તેમને લાંબા સમય સુધી ફોન આપવામાં આવ્યો નહોતો. લગભગ 3 કલાકની દોડધામ બાદ જ્યારે ખાતરી થઈ કે તે સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે પ્રોફેસરનો કોઈ સંબંધ નથી, ત્યારે સવારે 7:45 વાગ્યે તેમને સહીસિક્કો કરાવીને હેેમખેમ ઘરે પાછા છોડવામાં આવ્યા હતા. પોલીસે તેમને જે એકાઉન્ટ બતાવ્યું તેનું યુઝરનેમ @youvijayamani હતું, જેમાં પ્રોફેસરનો ફોટો હતો. કલૈયારસનની આશંકા છે કે હાર્વર્ડ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી કોઈએ તેમનો જૂનો ફોટો ચોરીને આ ફેક એકાઉન્ટ બનાવ્યું હતું.
આ સમગ્ર ઘટનાથી અત્યંત અપમાનિત અને હેરાન થયેલા પ્રોફેસર કલૈયારસને આ ગેરકાયદેસર અટકાયત અને ઓળખના દુરુપયોગ સામે રાજ્યના ડીજીપી મહેશ કુમાર અગ્રવાલને લેખિત ફરિયાદ આપીને જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ શંકર નગરના ઇન્સ્પેક્ટર રાજશેખરે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પ્રોફેસરનો ફોટો અને નામ હોવાથી માત્ર પૂછપરછ માટે તેમને બોલાવવામાં આવ્યા હતા અને કોઈપણ પ્રકારની હેરાનગતિ કરવામાં આવી નહોતી. જો કે, વહેલી સવારે વગર વાંકે એક જાણીતા શિક્ષણવિદ્દને આ રીતે ઉઠાવી જવાની ઘટનાથી સોશિયલ મીડિયા અને બુદ્ધિજીવી વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
