સ્પેનના મધ્ય ભાગમાં આવેલા ઉર્દા પાસે 28 ઓક્ટોબર 2026ના રોજ એક હાઈ-સ્પીડ ટ્રેન પાછળથી બીજી ટ્રેન સાથે ધડાકાભેર અથડાતા એક મોટો રેલવે અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં ઓછામાં ઓછા 68 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતે સ્પેન પ્રવાસે ગયેલા કે તે ટ્રેનોમાં મુસાફરી કરી રહેલા પોતાના નાગરિકો અને તેમના પરિવારજનોની મદદે આગળ આવીને તાત્કાલિક એમ્બેસીનો સંપર્ક કરવા જણાવ્યું છે.
આ દુર્ઘટના બાદ મેડ્રિડ સ્થિત ભારતીય એમ્બેસીએ સોશિયલ મીડિયા પર ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા છે. પ્રભાવિત નાગરિકો અથવા તેમના સગા-સંબંધીઓ એમ્બેસીના ઈમરજન્સી નંબર +34 650 339 008 અથવા ઈમેલ cons.madrid@mea.gov.in દ્વારા સીધો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત રેનફ માટે 900 10 10 20 અને ઇર્યો માટે 900 001 403 નંબર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેથી કોઈપણ અટવાયેલા ભારતીયને તાત્કાલિક સહાયતા મળી શકે.
ઘટનાની ગંભીરતાને જોઈને સ્પેનના પ્રાઇમ મિનિસ્ટર પેડ્રો સાંચેઝે પણ સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તમામ સંબંધિત ઓથોરિટી સાથે મળીને ઈમરજન્સી સર્વિસની ટીમ્સ ગ્રાઉન્ડ પર પીડિતોને મદદ કરવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પૂરજોશમાં કામ કરી રહી છે. હાલ સ્પેન પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને ભારતીય મિશન પણ સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખીને પીડિત પરિવારોને જરૂરી તમામ મદદ પૂરી પાડી રહ્યું છે.
