গুવાહાટીથી સામે આવેલી વિગતો મુજબ, આસામ રાઇફલ્સના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ વિકાસ લાખેરાએ મણિપુરમાં ભારત-મ્યાનમાર બોર્ડર પર ચાલી રહેલી ફેન્સિંગ કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાઓનો તાગ મેળવ્યો હતો. મણિપુરમાં ચાલી રહેલી ઓપરેશનલ સમીક્ષાઓના ભાગરૂપે તેમણે મ્યાનમારની સરહદને અડતા તેંગનૌપાલ જિલ્લાના મોરેહ અને ચોંગજંગ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બોર્ડર ક્રોસિંગ પોઈન્ટ્સનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને સુરક્ષા કડક બનાવવા પર ભાર મૂક્યો હતો.
આ નિરીક્ષણ દરમિયાન લેફ્ટનન્ટ જનરલ લાખેરાએ સ્થાનિક નિવાસીઓ સાથે પણ વાતચીત કરી હતી અને સુરક્ષા માટે બોર્ડર મેનેજમેન્ટનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે આ ક્ષેત્રમાં સતત ચોકીસાઈ અને સુરક્ષા જાળવી રાખવા માટે અસરકારક સર્વેલન્સ, ઉચ્ચ સ્તરીય ઓપરેશનલ તૈયારીઓ અને મજબૂત બોર્ડર મેનેજમેન્ટની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. આસામ રાઇફલ્સના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ડીજીએ મંગળવારે ઇમ્ફાલ સ્થિત રાજભવન ખાતે રાજ્યના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સાથે પણ મુલાકાત કરી હતી.
આ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન સુરક્ષા સ્થિતિ, ઓપરેશનલ તૈયારીઓ અને શાંતિ જાળવવાના પ્રયાસો પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. અગાઉ મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ પણ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને ફેન્સિંગ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, નવી દિલ્હીમાં મળેલી નીતિ આયોગની મીટિંગમાં ડ્રગ્સની હેરાફેરી, હથિયારોની દાણચોરી અને માનવ તસ્કરી સામે સંયુક્ત કાર્યવાહી તથા બોર્ડર પર મજબૂત સર્વેલન્સ સિસ્ટમની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
