મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનના તાજા ડેટા મુજબ, ઓગસ્ટ મહિનામાં 126.43 લાખ લોકોએ ફ્લાઈટમાં મુસાફરી કરી હતી, જે સપ્ટેમ્બરમાં ઘટીને 118.23 લાખ પર પહોંચી ગઈ છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના 9 મહિનામાં કુલ ડોમેસ્ટિક એર ટ્રાફિક 1,223.53 લાખ પેસેન્જરનો રહ્યો છે, જે ગત વર્ષની સરખામણીએ 0.82 ટકા ઓછો છે. આ માર્કેટમાં ઇન્ડિગોએ સપ્ટેમ્બરમાં 77.30 લાખ મુસાફરો સાથે 65.4 ટકા બજાર કબજે કર્યું છે. જ્યારે એર ઇન્ડિયા ગ્રુપે 31.65 લાખ મુસાફરો સાથે 26.8 ટકા, આકાશા એરમાં 5.6 ટકા અને સ્પાઇસ જેટનો માર્કેટ શેર માત્ર 0.6 ટકા રહ્યો છે.
સપ્ટેમ્બરમાં ફ્લાઈટ કેન્સલ થવાનો ઓવરઓલ દર 1.15 ટકા રહ્યો હતો, જેમાં સ્પાઇસ જેટમાં સૌથી વધુ 20.29 ટકા કેન્સલેશન જોવા મળ્યું હતું. ફ્લાઈટ્સ મોડી પડવાની વાત કરીએ તો, 2 કલાકથી વધુ મોડી પડેલી ફ્લાઈટ્સનો દર 1.19 ટકા હતો અને તેમાં પણ સ્પાઇસ જેટ આગળ રહી હતી જેને કારણે 108,783 જેટલા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ઓન-ટાઈમ પરફોર્મન્સ એટલે કે સમયસર ઉડાન ભરવામાં ઇન્ડિગો 91.1 ટકા સાથે મોખરે રહી હતી, જ્યારે એરપોર્ટ્સમાં ચેન્નાઈ એરપોર્ટ 95.3 ટકા સાથે સૌથી આગળ રહ્યું હતું. એરલાઈન્સે મુસાફરોની સગવડ માટે જુદી જુદી સુવિધાઓ પાછળ કુલ 286.96 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.
આ સમગ્ર સમયગાળા દરમિયાન દેશભરની એરલાઈન્સ કંપનીઓને મુસાફરો તરફથી કુલ 2,466 ફરિયાદો મળી હતી, જેમાંથી 2,448 ફરિયાદોનો નિકાલ આવી ગયો છે અને માત્ર 18 ફરિયાદો પેન્ડિંગ છે. સૌથી વધુ 987 ફરિયાદો એર ઇન્ડિયા ગ્રુપ સામે આવી હતી, જ્યારે ઇન્ડિગો સામે 793 ફરિયાદો નોંધાઈ હતી. મોટાભાગની ફરિયાદો ફ્લાઈટ સંબંધિત સમસ્યાઓ, લગેજ એટલે કે સામાન ગુમ થવા કે ખોવાઈ જવાના પ્રશ્નો અને રિફંડ બાબતે હતી. એરલાઈન્સ કંપનીઓએ વિલંબ અને કેન્સલેશનનો ભોગ બનેલા પેસેન્જર્સને વળતર અને અન્ય સુવિધાઓ આપવા માટે પણ લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો છે.
