છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) દ્વારા એરપોર્ટ એરલાઈન ઓપરેટર્સ કમિટીની મીટિંગમાં ટર્મિનલ 1 (T1) ના રીડેવલપમેન્ટનું આર્ટિસ્ટિક વિઝન રજૂ કરવામાં આવ્યું છે. આ નવા પ્લાનમાં મુંબઈની સાંસ્કૃતિક ઓળખ ઝળકતી હોય તેવી આર્કિટેક્ચરલ ડિઝાઈન, મોર્ડન સુવિધાઓ અને મુસાફરોની સુવિધાને સૌથી આગળ રાખવામાં આવી છે. વર્ષ 1964 માં શરૂ કરાયેલું હાલનું ટર્મિનલ હવે ઘણું જૂનું થઈ ચૂક્યું છે. અગાઉ 2017 માં સ્ટ્રક્ટવેલ અને 2024 માં આઈઆઈટી બોમ્બે દ્વારા કરાયેલા સેફ્ટી ઓડિટમાં આ જૂની બિલ્ડિંગમાં માળખાકીય જોખમો હોવાનું સામે આવ્યું હતું, જેને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુરક્ષા માટે આ ટર્મિનલનું રીડેવલપમેન્ટ અત્યંત જરૂરી બની ગયું હતું.
નવા પ્રસ્તાવિત રીડેવલપમેન્ટ બાદ આ ટર્મિનલનો લુક એકદમ બદલાઈ જશે. જેમાં વિશાળ ચેક-ઈન હોલ, કુદરતી રોશની, મુંબઈની કલા દર્શાવતા આર્ટ મ્યુરલ્સ, ઈન્ડોર ગ્રીનરી અને રનવે દેખાય તેવા કાચના ફેસાદ બનાવવામાં આવશે. એટલું જ નહીં, આવનારા મુસાફરો માટે ફ્લેમિંગોની વિશાળ મૂર્તિ પણ મૂકવામાં આવશે. આ નવા પ્રોજેક્ટથી પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા વાર્ષિક 15 મિલિયનથી વધીને 20 મિલિયન થઈ જશે. આ ઉપરાંત ચેક-ઈન કાઉન્ટર્સ 74 થી વધારીને 109 કરવામાં આવશે અને સિક્યોરિટી સ્ક્રીનિંગ લેન્સ પણ અઢી ગણી વધારવામાં આવશે, જેથી મુસાફરોને લાઈનમાં ઊભા રહેવાથી રાહત મળશે. ટર્મિનલમાં કોન્ટેક્ટ સ્ટેન્ડ 7 થી વધારીને 25 કરવામાં આવશે અને બેગેજ રીક્લેમ બેલ્ટ પણ 5 થી વધારીને 11 કરવામાં આવશે.
આગામી સમયમાં એરપોર્ટનું કામકાજ ચાલુ રહે તે માટે તબક્કાવાર આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જૂના ટર્મિનલ 1 ને તોડવાનું કામ એપ્રિલ 2027 માં શરૂ થશે. ડોમેસ્ટિક મુસાફરોની સુવિધા માટે માર્ચ 2029 સુધીમાં T2 નોર્થ-વેસ્ટ પીયર શરૂ થઈ જશે અને ડિસેમ્બર 2030 સુધીમાં આ નવું ટર્મિનલ તૈયાર થઈ જશે તેમ માનવામાં આવે છે. આ તમામ વિસ્તરણ બાદ મુંબઈ એરપોર્ટની કુલ પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા વધીને વાર્ષિક 65 મિલિયન સુધી પહોંચી જશે.
