પંજાબની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે અને આમ આદમી પાર્ટી તથા શિરોમણી અકાલી દળ વચ્ચે જોરદાર ઘમાસાણ શરૂ થયું છે. અકાલી દળના વરિષ્ઠ લીડર બિક્રમ સિંહ મજીઠિયાએ મંગળવારે એક પ્રેસ કન્ફરન્સ યોજીને AAP ચીફ અરવિંદ કેજરીવાલ અને પંજાબના ચીફ મિનિસ્ટર ભગवंत માન પર ગંભીર આક્ષેપો કર્યા હતા. મજીઠિયાએ આરોપ લગાવ્યો કે AAP સરકાર પંજાબની કથળેલી લો એન્ડ ઓર્ડરની સ્થિતિ અને અન્ય ગંભીર મુદ્દાઓ પરથી જનતાનું ધ્યાન હટાવવા માટે જાણીજોઈને તેમના disproportionate assets એટલે કે DA કેસને ડ્રગ્સ ટ્રાફિકિંગ સાથે જોડી રહી છે. તેમણે કેજરીવાલ અને માનને પડકાર ફેંક્યો કે જો તેમની પાસે ડ્રગ્સના કેસમાં સંડોવણીના કોઈ નક્કર પુરાવા હોય તો તે સામે લાવે અથવા તો પોતાના નિવેદન બદલ જાહેરમાં માફી માંગે.
મજીઠિયાએ દાવો કર્યો હતો કે સરકારે તેમના પર 736 કરોડ રૂપિયાના ડ્રગ મની સાથે કોઈ સીધો કે આડકતરો સંબંધ હોવાનું ક્યારેય સાબિત કર્યું નથી. તેમણે અગાઉ વર્ષ 2018માં કેજરીવાલ દ્વારા કોર્ટમાં માંગવામાં આવેલી માફીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે રાજકીય ફાયદા માટે ફરીથી જૂના અને પાયાવિહોણા આરોપો ઉછાળવામાં આવી રહ્યા છે. આ મામલે તેમના વકીલ ડી. એસ. સોબતીએ જણાવ્યું હતું કે DA કેસ અને ડ્રગ્સની કાર્યવાહી બંને તદ્દન અલગ બાબતો છે અને તેને ભેગી ન કરી શકાય. વકીલે સવાલ ઉઠાવ્યો હતો કે માત્ર પ્રોપર્ટી કે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનના આધારે તેને ડ્રગ્સના ધંધા સાથે જોડી દેવું કાનૂની રીતે યોગ્ય નથી. કોર્ટમાં બનેલી કાર્યવાહી અને સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના રેકોર્ડનો હવાલો આપીને તેમણે જણાવ્યું કે પબ્લિકમાં કરવામાં આવતા દાવાઓ અને ન્યાયિક રેકોર્ડમાં જમીન-આસમાનનો ફરક છે.
પ્રેસ કન્ફરન્સના અંતે મજીઠિયાએ કહ્યું કે તેમની સામે રચાયેલી 4 સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT પણ સરકારના દાવાઓને સિદ્ધ કરવામાં નિષ્ફળ રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર કોર્ટમાં કંઈક અલગ રજૂઆત કરે છે અને બહાર મીડિયામાં અલગ નિવેદનો આપીને જનતાને ગેરમાર્ગે દોરે છે. રાજ્ય સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ડ્રગ્સના મુદ્દે અને રાજ્યની સુરક્ષા મામલે સવાલોના જવાબ આપવાને બદલે AAP લીડર્સ માત્ર રાજકીય બદલો લેવા માટે આવા કાવતરા રચી રહ્યા છે. મજીઠિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ કોઈપણ જાતની કાનૂની તપાસનો સામનો કરવા માટે પૂરી રીતે તૈયાર છે, પરંતુ સરકારે કાં તો પોતાના આરોપો સાબિત કરવા પડશે અથવા તો જનતા સમક્ષ માફી માંગવી પડશે.
