અમદાવાદ શહેરમાં શેર બજારમાં રોકાણના નામે લોકો સાથે મસમોટી ઠગાઈ આચરતી એક કુખ્યાત ગેંગનો પર્દાફાશ થયો છે. આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે EOW ની ટીમે સપાટો બોલાવીને આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા ભાર્ગવ પંડ્યા અને અલ્કેશપુરી ગોસ્વામી નામના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ સામાન્ય લોકોની મહેનતની કમાણી હડપ કરવા માટે એક સુવ્યવસ્થિત નેટવર્ક ગોઠવ્યું હતું અને લોકોને લોભામણી યોજનાઓમાં ફસાવીને તેમની સાથે લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
આરોપીઓએ ડિસિપ્લિન ટી એન્ડ ટી વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની બોગસ કંપની ઊભી કરીને રોકાણકારોને આકર્ષ્યા હતા. રોકાણકારોને એવું ગાਜર આપવામાં આવતું કે માત્ર 2 વર્ષમાં તેમના નાણાં 3 ગણા થઈ જશે અને દર મહિને 2 થી 2.5 ટકા જેટલું ઊંચું વળતર મળશે. આ વાતોમાં આવીને આશરે 100 જેટલા રોકાણકારોએ કુલ રૂ. 1.27 કરોડ જેટલી માતબર રકમનું રોકાણ કર્યું હતું. આ મામલે વિરાટ પરમાર, અલ્કેશપુરી ગોસ્વામી, ભાર્ગવ પંડ્યા અને ધર્મેશ ચૌહાણ સામે EOW માં સત્તાવાર ફરિયાદ નોંધાઈ હતી. તપાસમાં ખૂલ્યું છે કે આરોપીઓએ નાણાકીય ગોપનીયતા જાળવવા 6 અલગ શંકાસ્પદ કંપનીઓ બનાવીને 235 બેન્ક એકાઉન્ટનો દુરૂપયોગ કર્યો હતો. પકડાયેલા ભાર્ગવ પંડ્યાએ MA સુધી અભ્યાસ કર્યો છે અને તે સટ્ટાબાજીમાં આશરે 8 કરોડ રૂપિયા હારી ગયો હોવાથી પોતાના મોજશોખ પૂરા કરવા આ ફ્રોડ શરૂ કર્યું હતું, જ્યારે અલ્કેશપુરી મૂળ સુરેન્દ્રનગરનો છે અને આસામમાં એરફોર્સમાં નોકરી કરતો હતો. અગાઉ અડાલજમાં પણ તેમની સામે રૂ. 3 કરોડની ઠગાઈનો ગુનો નોંધાયેલો છે.
આ કેસની કડીઓ જોડતા પોલીસે અગાઉ 9 ઓક્ટોબરના રોજ ચિલોડા ખાતે એરફોર્સમાં સાર્જન્ટ તરીકે ફરજ બજાવતા ધર્મેશ ચૌહાણની પણ ધરપકડ કરી હતી. જોકે, આ સમગ્ર કૌભાંડનો અન્ય એક મુખ્ય આરોપી વિરાટ પરમાર હજુ પોલીસ પકડથી દૂર છે અને ફરાર ચાલી રહ્યો છે, જેની સઘન શોધખોળ ચાલુ છે. આ ફ્રોડ કંપની વર્ષ 2025થી બંધ કરી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ EOW અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આ નાણાકીય વ્યવહારો ક્યાં-ક્યાં કરવામાં આવ્યા છે અને આ નેટવર્કમાં અન્ય કોઈ મોટા માથા સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
