બ્રિટનમાં મોંઘવારીના માહોલ વચ્ચે દેશના સૌથી ઓછા પગાર મેળવતા કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બ્રિટનના ફાઇનાન્સ મિનિસ્ટર જોન હેલીએ બુધવારે સંસદમાં સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે આગામી એપ્રિલ 2027થી દેશમાં નેશનલ મિનિમમ વેજ અને નેશનલ લિવિંગ વેજમાં 3.9% નો વધારો કરવામાં આવશે. આ પગલાથી સરકાર દેશના અંદાજે 2.3 મિલિયન જેટલા લોઅર-પેઇડ વર્કર્સને રાહત આપવા જઈ રહી છે, જેથી તેઓ સતત વધી રહેલા ઘરખર્ચ અને મોંઘવારી સામે પહોંચી વળી શકે.
નક્કી કરાયેલી નવી વિગતો મુજબ, 21 વર્ષ અને તેથી વધુ ઉંમરના કર્મચારીઓનો કલાકનો મિનિમમ વેજ રેટ £12.71 થી વધીને સીધો £13.21 થઈ જશે. આ વધારાના કારણે ફૂલ-ટાઇમ કામ કરતા 21 વર્ષથી વધુ ઉંમરના વર્કર્સને ટેક્સ પહેલા દર મહિને વધારાના £81 મળશે, એટલે કે વાર્ષિક ધોરણે તેઓ આશરે £975 વધુ કમાઈ શકશે. બીજી તરફ, 18 થી 20 વર્ષની વય જૂથના યુવા કામદારો માટે કલાકનો દર £10.85 થી વધારીને £11.27 કરવામાં આવ્યો છે. અઠવાડિયાના 37.5 કલાક કામ કરતા આ યુવા વર્કર્સ દર મહિને આશરે £68 અથવા વાર્ષિક £819 વધુ કમાણી કરી શકશે, જો કે યુવા વર્કર્સ માટેનો આ વધારો પાછલા વર્ષોની સરખામણીમાં થોડો ઓછો છે.
બ્રિટનમાં હાલમાં સપ્ટેમ્બર 2026ના આંકડા મુજબ વાર્ષિક ઇન્ફ્લેશન રેટ 3.5% ચાલી રહ્યો છે, જેની સામે વેજમાં 3.9% નો વધારો થોડી રાહત ચોક્કસ લાવશે છતાં હાઉસિંગ, ફૂડ, એનર્જી અને ટ્રાન્સપોર્ટના વધતા ખર્ચ વચ્ચે સામાન્ય પરિવારો પર દબાણ યથાવત રહેશે. યુનિયન લીડર્સે હજુ પણ સમાન કામ માટે અલગ-અલગ વય જૂથના વેજ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે અને એક જ સરખા કામ માટે તમામ વયના કર્મચારીઓને સમાન વેતન મળવું જોઈએ તેવી માંગ દોહરાવી છે. બ્રિટનની લો પે કમિશનની સલાહ મુજબ આ નવો વેજ રેટ એપ્રિલ 2027થી સત્તાવાર રીતે લાગુ કરી દેવામાં આવશે.
