તાજેતરમાં યોજાયેલા એક ખાસ ઈવેન્ટમાં બીએસઈના અનુભવી મેમ્બર રમેશ દમાણીએ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ અને શેર માર્કેટને લઈને ખૂબ જ નિરાશાજનક ચિત્ર રજૂ કર્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે નવેમ્બર 3 ના રોજ યોજાનારી યુએસ મિડટર્મ ઈલેક્શન બાદ ગ્લોબલ માર્કેટ માટે કોઈ સારા પરિણામોની અપેક્ષા રાખી શકાય તેમ નથી. ભલે રિપબ્લિકન પાર્ટીનું પ્રદર્શન નબળું રહે કે ટ્રમ્પ સામે પડકાર ઊભો થાય, પરંતુ અમેરિકાની સત્તાની ચાવી તો ડોનાલ્ડ ટ્રમ્પ પાસે જ રહેવાની છે અને ગ્લોબલ માર્કેટ પર તેની માઠી અસર પડવાની નક્કી છે.
માર્કેટ્સ વર્સ ટ્રમ્પ્સ ટેન્ટ્રમ્સ નામના સેશનમાં બોલતી વખતે રમેશ દમાણીએ જણાવ્યું હતું કે દુનિયા એટલા માટે પ્રગતિ કરી શકી કારણ કે અમેરિકા હંમેશા નિયમો આધારિત સિસ્ટમને અનુસરતું આવ્યું છે, પરંતુ ટ્રમ્પ દ્વારા નાખવામાં આવતા ટેરિફ અને તેમની આક્રમક નીતિઓ તે સોનાનું ઈંડા આપતી મરઘી કાપવા જેવું કામ કરી રહી છે. એક તરફ જો રિપબ્લિકન્સ જીતે તો ટ્રમ્પ અંકુશ વિનાના એક તાનશાહની જેમ વર્તશે અને કોઈને પણ જવાબદાર નહીં રહે. બીજી તરફ, જો ડેમોક્રેટ્સ જીતશે તો અમેરિકામાં મોટો બંધારણીય કટોકટી સર્જાઈ શકે છે કેમ કે ટ્રમ્પ કોંગ્રેસ કે ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઇનકાર પણ કરી શકે છે.
પરિણામ ગમે તે આવે, ટ્રમ્પ પાસે અમેરિકાની મિલિટરી પાવરની કમાન તો રહેવાની જ છે અને તેઓ ઈરાન સામે યુદ્ધ છેડી શકે છે, જેના કારણે ગ્લોબલ સપ્લાય ચેઈનને મોટો ફટકો પડશે. આ સંજોગોમાં આગામી સમયમાં ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો આવી શકે છે અને વૈશ્વિક સ્તરે અરાજકતા ફેલાવાની પૂરી શક્યતા છે. રમેશ દમાણીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે નજીકના ભવિષ્યમાં શેર માર્કેટના રોકાણકારોએ સાવચેત રહેવાની જરૂર છે અને વૈશ્વિક અર્થતંત્રમાં મોટા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
