ટેક્સાસમાં યોજાયેલી એક મોટી રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે મિશિગન સેનેટ કેન્ડિડેટ અબ્દુલ અલ-સૈયદ પર આકરા પ્રહારો કર્યા હતા. ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું કે અબ્દુલ અલ-સૈયદે યુએસ કોંગ્રેસમાં પ્રવેશતા પહેલા મેટલ ડિટેક્ટર ટેસ્ટમાંથી પસાર થવું પડશે. ટ્રમ્પે પોતાના ભાષણમાં તેમને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવતા 2026ની મિડટર્મ ઇલેક્શન પહેલા મતદારોને સાવચેત રહેવાની અપીલ કરી હતી. નવેમ્બર 3ના રોજ યોજાનારી આ મહત્વની ચૂંટણી પહેલા ટ્રમ્પના આ નિવેદને રાજકીય માહોલ ગરમ કરી દીધો છે.
બીજી બાજુ, અબ્દુલ અલ-સૈયદે પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમણે મુસ્લિમ બ્રધરહુડ સાથેના કોઈપણ પ્રકારના જોડાણનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો અત્યાર સુધી એવા કોઈ પુરાવા સામે આવ્યા નથી જે સાબિત કરે કે અલ-સૈયદ આ સંગઠન સાથે સંકળાયેલા છે. મિશિગનની આ સેનેટ બેઠક માટે માઈક રોઝ અને અબ્દુલ અલ-સૈયદ વચ્ચે જબરદસ્ત રાજકીય જંગ ચાલી રહ્યો છે, જેમાં હવે ટ્રમ્પની એન્ટ્રીથી આ મુકાબલો વધુ રસપ્રદ બન્યો છે.
આ આગામી મિડટર્મ ઇલેક્શન અમેરિકન રાજકારણ માટે ખૂબ જ નિર્ણાયક માનવામાં આવી રહી છે. ટ્રમ્પ દ્વારા આવા વિવાદાસ્પદ નિવેદનો આપવાથી ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટી વચ્ચેનો તણાવ વધુ વધી ગયો છે. ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-જેમ નેતાઓ વચ્ચેના શાબ્દિક હુમલા તેજ થઈ રહ્યા છે અને આગામી દિવસોમાં આ બેઠક પર દેશભરના લોકોની નજર રહેશે.
