JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

લુપ્ત થવાની અરેણીએ પહોંચેલા લુઈસિયાના બ્લેક બિયરની વસ્તીમાં મોટો વધારો

Oct 28, 2026 | 19:46 | By JAMNAGAR MIRROR
લુપ્ત થવાની અરેણીએ પહોંચેલા લુઈસિયાના બ્લેક બિયરની વસ્તીમાં મોટો વધારો
અમેરિકાના લુઈસિયાના રાજ્યમાં એક સમયે માત્ર 150 જ બ્લેક બિયર બચ્યા હતા, પરંતુ સતત 30 વર્ષના સંરક્ષણ પ્રયાસો અને જંગલોના પુનઃનિર્માણથી તેમની સંખ્યા વધીને હવે આશરે 750 પર પહોંચી ગઈ છે.

અમેરિકાના લુઈસિયાના અને આસપાસના જંગલોમાં એક સમયે મુક્તપણે વિચરતા લુઈસિયાના બ્લેક બિયર અગાઉ માનવ વિકાસ અને જંગલોના વિનાશને કારણે લુપ્ત થવાના આરે પહોંચી ગયા હતા. 1990ના દાયકાની શરૂઆતમાં સ્થિતિ એટલી હદે કફોડી બની ગઈ હતી કે આ પ્રજાતિના માત્ર 150 જ રીંછ જીવિત રહ્યા હતા. વેરવિખેર થયેલા કુદરતી આવાસો અને રોડ-રસ્તાના નિર્માણને કારણે રીંછોની હિલચાલ અને પ્રજનનક્ષમતા પર માઠી અસર પડી હતી, જેને કારણે વન્યજીવ નિષ્ણાતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.

પરંતુ સમયની સાથે પરિસ્થિતિ બદલાઈ અને વન વિભાગ તેમજ વિવિધ સંસ્થાઓએ આ વન્યજીવને બચાવવા માટે મોટું અભિયાન શરૂ કર્યું હતું. વર્ષ 1992 પછી જંગલોના પુનઃનિર્માણ, પર્યાવરણ સંરક્ષણ અને સુરક્ષિત વિસ્તારોના વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. માત્ર છૂટાછવાયા જંગલોને સાચવવાના બદલે મોટા અને પરસ્પર જોડાયેલા જંગલ વિસ્તારો ઊભા કરવામાં આવ્યા, જેથી રીંછોને ખોરાક, આશરો અને સુરક્ષિત જગ્યાઓ સરળતાથી મળી રહે. આ ઉપરાંત, વસ્તીમાં જેનેટિક ડાઈવર્સિટી વધારવા માટે થ્રી રિવર્સ કોમ્પ્લેક્સ અને અપર અટાચાફાલાયા રિવર બેસિન જેવા વિસ્તારોમાં રીંછોનું સફળતાપૂર્વક સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું.

આજની તારીખે આ ટાર્ગેટેડ પ્રયાસોના પરિણામે લુઈસિયાનાના જંગલોમાં રીંછોની કહાની બદલાઈ ચૂકી છે અને તેમની વસ્તી વધીને આશરે 750 જેટલી થઈ ગઈ છે. આ શાનદાર રિકવરી એ વાત સાબિત કરે છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં આવે તો જોખમમાં મૂકાયેલી પ્રજાતિઓને પણ નવું જીવન આપી શકાય છે. ભવિષ્યમાં માનવીય વિકાસ અને વન્યજીવોના સહઅસ્તિત્વને જાળવી રાખવા માટે કોરિડોર પ્રોટેક્શન અને જાગૃતિ અભિયાન જેવા પગલાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

LATEST ARTICLES