અંગ્રેજી ક્રિકેટ જગતના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને સાબિત કરી દીધું છે કે હજુ તેનામાં ક્રિકેટ બાકી છે. લંકાશાયર ક્લબે તેનો કોન્ટ્રાક્ટ રિન્યુ ન કર્યા બાદ હવે 44 વર્ષના આ ખેલાડીએ ઇટાલીમાં પોતાની ક્રિકેટ કરિયર આગળ ધપાવવાનો નિર્ણય કર્યો છે. જેમ્સ એન્ડરસને લંકાશાયર સાથે પોતાની જિંદગીના 25 વર્ષ વિતાવ્યા છે અને ઇંગ્લેન્ડ માટે તમામ ફોર્મેટમાં 400થી વધુ મેચો રમીને લગભગ 1000 જેટલી વિકેટો ઝડપી છે. ઇંગ્લેન્ડના આ સફળ બોલર હવે ઇટાલીની ધરતી પર પોતાની નવી ઓળખ બનાવવા માટે તૈયાર છે, જેને લઈને ક્રિકેટ ફેન્સમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આગામી 18 નવેમ્બરથી રોમા ક્રિકેટ ગ્રાઉન્ડ પર 12 દિવસ સુધી ચાલનારી આ રોમાંચક 10 ઓવરની ટૂર્નામેન્ટમાં જેમ્સ એન્ડરસન મુખ્ય આકર્ષણ રહેશે. આ ટૂર્નામેન્ટમાં તેના ઉપરાંત ક્રિસ ગેલ, શૉન માર્શ અને ડેવિડ મલાન જેવા વર્લ્ડ ક્લાસ સ્ટાર્સ પણ એક્શનમાં જોવા મળશે, સાથે જ ઇટાલીની નેશનલ ટીમના ખેલાડીઓ પણ ભાગ લેશે. નદીમ શાહિદ અને આમિર અખ્તર દ્વારા શરૂ કરાયેલી આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય ઇટાલીમાં ક્રિકેટનો વ્યાપ વધારવાનો છે. ખાસ કરીને 2032ના બ્રિસ્બેન ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થવાથી ઇટાલીમાં આ રમતના વિકાસની અપાર શક્યતાઓ છે અને ત્યાંની ઓલિમ્પિક કમિટી પણ હવે ક્રિકેટને ગંભીરતાથી લઈ રહી છે.
આ ટૂર્નામેન્ટ માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ઇટાલીમાં ક્રિકેટના પાયાને મજબૂત કરવાનું કામ કરશે જ્યાં મેચોની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે અને ખાસ કોચિંગ ક્લિનિક્સનું આયોજન પણ થશે. એન્ડરસનની કંપની એક્ટિવેટ સ્પોર્ટ એન્ડ લેઝર આ ક્લિનિક્સમાં સક્રિય યોગદાન આપશે જેથી ઇટાલી ઓલિમ્પિક માટે યુવા ખેલાડીઓ તૈયાર કરી શકે. જેમ્સ એન્ડરસને પોતે જણાવ્યું છે કે નેપલ્સ નાઈટ્સ માત્ર ટાઈટલ જીતવા માટે જ મેદાનમાં નહીં ઉતરે, પરંતુ આ ટૂર્નામેન્ટ પૂરી થયા પછી પણ ઇટાલીમાં ક્રિકેટ લાંબો સમય સુધી આગળ વધતું રહે તેવો તેમનો ધ્યેય છે.
