કોચી ખાતે રમાનારી વિમેન્સ પ્રીમિયર લીગ એટલે કે WPL 2027ની આગામી સિઝન માટે ખેલાડીઓની ખરીદીનું માહોલ જામ્યો છે. બુધવારે યોજાયેલા મિની ઓક્શનમાં ફ્રેન્ચાઈઝીઓએ પોતાની ટીમ મજબૂત કરવા માટે કમર કસી હતી. આ ઓક્શનમાં કુલ 146 ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા હતા, જેમાં 5 ટીમો પાસે ખાલી પડેલા 27 સ્લોટ ભરવાના હતા. તમામ ટીમો પોતાની રણનીતિ મુજબ ખેલાડીઓને ખરીદી રહી છે, જેથી આગામી સિઝનમાં ટીમનું પ્રદર્શન શાનદાર રહી શકે.
આ ઓક્શનમાં વિકેટકીપર બેટર સુષ્મા વર્માને યુપી વોરિયર્સે તેની 30 લાખની બેઝ પ્રાઈસ પર ખરીદી લીધી છે. સુષ્મા છેલ્લે લગભગ એક દાયકા પહેલા T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી અને વર્ષ 2023ની પહેલી સિઝનમાં તે ગુજરાત જાયન્ટ્સનો હિસ્સો રહી ચૂકી છે. જોકે, આ ઓક્શનમાં ઘણા મોટા નામ ખાલી હાથે પરત ફરવા પડ્યા હતા. ભારતની ODI વર્લ્ડ કપ વિનિંગ ટીમની સભ્ય અને આસામમાંથી ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પહેલી ક્રિકેટર ઉમા છેત્રી 30 લાખની બેઝ પ્રાઈસ હોવા છતાં અનસોલ્ડ રહી હતી. આ ઉપરાંત, દિલ્હી કેપિટલ્સની પૂર્વ વિકેટકીપર તાન્યા ભાટિયા, નુઝહત પરવીન અને સ્વિંગ બોલર સાયમા ઠાકોર પર પણ કોઈ ફ્રેન્ચાઈઝીએ રસ દાખવ્યો નહોતો.
વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ બોલર ટેલા વ્લેમિન્ક, શ્રીલંકાની 19 વર્ષની સીમ બોલર મિતાલી અયોધ્યા, ન્યૂઝીલેન્ડની T20 વર્લ્ડ કપ વિનિંગ સ્કોડની રોઝમેરી મેયર તેમજ ભારતની અંડર-19 T20 વર્લ્ડ કપ વિનિંગ ટીમની તિતાસ સાધુ પણ 30 લાખની બેઝ પ્રાઈસ પર અનસોલ્ડ રહી હતી. આ તમામ ખેલાડીઓ અગાઉ અલગ-અલગ ફ્રેન્ચાઈઝી માટે રમી ચૂક્યા છે, પરંતુ આ મિની ઓક્શનમાં તેમને કોઈ ખરીદનાર મળ્યો નહોતો. આગામી સમયમાં આ તમામ ટીમો પોતાની ઘાતક રણનીતિ સાથે મેદાન પર ઉતરશે.
