યેમનમાં ચાલી રહેલા સંઘર્ષને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે યુએઈ દ્વારા ઈરાન સમર્થિત હૂતી રેબલ્સને ગુપ્ત રીતે મદદ કરવામાં આવી રહી છે. સાઉદી સમર્થિત દળો સામે ચાલી રહેલી લડાઈમાં યુએઈ યેમની ફોર્સિસ દ્વારા હૂતીઓને ટાર્ગેટ નક્કી કરવામાં મદદ કરવામાં આવી રહી છે અને અબુ ધાબી આ મામલે આંખ આડા કાન કરી રહ્યું છે. આ મામલે સંકળાયેલા 4 સૂત્રોના હવાલાથી એવું પણ સામે આવ્યું છે કે યુએઈએ યેમનની અંદર સાઉદી સમર્થિત ગવર્નમેન્ટ ફોર્સિસને નિશાન બનાવવા માટે રેબલ્સ સાથે સીધી ઈન્ટેલિજન્સ પણ શેર કરી છે. બંને પક્ષો વચ્ચે વાતચીતની ચેનલો ખુલ્લી રહી છે અને યુએઈ દ્વારા સના સ્થિત સરકારને મોટી માત્રામાં ગુપ્ત માહિતી પાસ કરવામાં આવી હોવાનું એક યેમની સૂત્રે જણાવ્યું છે.
આ કથિત સહયોગ એટલા માટે પણ મોટો છે કારણ કે યુએઈ અને હૂતીઓની વૈચારિક તેમજ ભૌગોલિક સ્થિતિઓ બિલકુલ વિરોધી છે. અબુ ધાબી જ્યાં વોશિંગ્ટન અને ઈઝરાયેલની નજીક છે, તો હૂતીઓ ઈરાન સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે. જો કે, આ વર્ષની શરૂઆતમાં સાઉદી અરેબિયા દ્વારા યુએઈને યેમનમાં સાઈડલાઈન કરી દેવામાં આવ્યા બાદ બંનેના હિતો એકબીજા સાથે મેચ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે, જેનાથી અબુ ધાબીને દેશમાં પોતાની રણનીતિક પકડ મજબૂત કરવાની તક મળી ગઈ છે. આ દરમિયાન સાઉદી અરેબિયા પર હૂતીઓના હુમલા પણ વધી ગયા છે. રેબલ્સ દ્વારા કિંગડમના મેઈન એરપોર્ટ સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરવામાં આવ્યા છે, જેમાં 12 લોકોના મોત થયા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાઓના કારણે ડેવોસ ઇન ધ ડેઝર્ટ તરીકે જાણીતી ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ કોન્ફરન્સ પણ રદ કરવી પડી હતી.
આ વધતા તણાવ વચ્ચે યેમન સરકારના અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સપોર્ટ માટે અપીલ કરી છે કારણ કે હૂતીઓએ તાઈઝ શહેરમાં ઘેરાબંધી વધુ કડક કરી દીધી છે. રેસિડેન્શિયલ વિસ્તારો પર હુમલાઓ વધી ગયા છે અને પાણીની સપ્લાય પણ પ્રતિબંધિત કરી દેવાઈ છે. આ વધતા તણાવને કાબૂમાં લેવા માટે પ્રાદેશિક સ્તરે ડિપ્લોમેટિક પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે. ઇજિપ્તના ફોરેન મિનિસ્ટરે સાઉદી અને Emirati સમકક્ષો સાથે વાતચીત કરી છે, જ્યારે ઇજિપ્તે સાઉદી અરેબિયાને સંપૂર્ણપણે ડિફેન્સિવ સપોર્ટ આપવાની જાહેરાત પણ કરી દીધી છે. બીજી તરફ ઈરાને પ્રાદેશિક દેશોને બહારની તાકાતોના હસ્તક્ષેપ વગરચી વાતચીત દ્વારા પોતાની સુરક્ષા જાતે સંભાળવાની અપીલ કરી છે.
