દિવાળી હવે માત્ર ભારતનો જ નહીં પરંતુ એક વૈશ્વિક તહેવાર બની ચૂક્યો છે. ભગવાન શ્રી રામના અયોધ્યા આગમનની ખુશીમાં ઉજવાતો આ પ્રકાશ પર્વ આજે ભૌગોલિક સીમાઓ ઓળંગીને વિશ્વના ખૂણે-ખૂણે પોતાની રોશની પાથરી રહ્યો છે. રસપ્રદ બાબત એ છે કે દુનિયાના એવા ઘણા મુસ્લિમ બહુલ દેશો છે જ્યાં દિવાળી માત્ર ઉત્સાહપૂર્વક ઉજવાતી જ નથી પરંતુ ત્યાંના સાંસ્કૃતિક કેલેન્ડરમાં પણ તેને વિશેષ સ્થાન મળેલું છે. આ દેશોમાં વસતા ભારતીય પ્રવાસીઓ અને સ્થાનિક હિન્દુ લઘુમતી સમુદાયના તહેવારને માન આપવા માટે સત્તાવાર સરકારી રજા કે વિશેષ જાહેર રજાની જોગવાઈ કરવામાં આવી છે, જેના કારણે વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિની મહેક ફેલાયેલી જોવા મળે છે.
આ યાદીમાં સૌથી મોખરે મલેશિયા આવે છે જે એક મુસ્લિમ બહુલ દેશ છે, પરંતુ ત્યાંની કુલ વસ્તીમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા નોંધપાત્ર છે. મલેશિયામાં દિવાળીને સ્થાનિક ભાષામાં હરિ દિવાળી કહેવામાં આવે છે અને સારાવાક પ્રાંતને બાદ કરતાં આખા દેશમાં રાષ્ટ્રીય સ્તરે જાહેર રજા રહે છે, જ્યાં કુઆલાલમ્પુર અને લિટલ ઇન્ડિયા જેવા વિસ્તારોને રંગબેરંગી લાઇટો અને સુંદર રંગોળીઓથી શણગારવામાં આવે છે. બીજી તરફ, વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઇન્ડોનેશિયાના પ્રખ્યાત બાલી ટાપુ પર હિન્દુ વસ્તી બહુમતીમાં હોવાથી ત્યાં દિવાળીને એક મોટા મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે અને બાલીની પ્રાંતીય સરકાર આ દિવસે સ્થાનિક સ્તરે સત્તાવાર રજા જાહેર કરે છે.
સંયુક્ત આરબ અમીરાત (UAE) એટલે કે દુબઈ અને અબુ ધાબીમાં દિવાળીનો માહોલ કોઈ ભારતીય શહેર જેવો જ ભવ્ય જોવા મળે છે જ્યાં લાખોની સંખ્યામાં ભારતીય સમુદાય વસે છે. ભલે યુએઇમાં દિવાળી પર કોઈ સત્તાવાર સરકારી રજા હોતી નથી, તેમ છતાં ત્યાંનું વહીવટીતંત્ર આ તહેવારને ખૂબ માન આપે છે અને દુબઈના વિશ્વપ્રસિદ્ધ બુર્જ ખલીફા પર વિશેષ લાઇટ શોનું આયોજન થાય છે તેમજ ગ્લોબલ વિલેજ જેવા સ્થળોએ મેળા યોજાય છે. આ ઉપરાંત ઓમાન, કતાર અને બહેરીન જેવા અન્ય અખાતી દેશોમાં પણ ભારતીય સમુદાય કોઈપણ જાતના અવરોધ વગર પોતાના ઘરો અને મંદિરોમાં દીવા પ્રગટાવીને પૂજા-અર્ચના કરે છે, જે વૈશ્વિક સ્તરે એકતા અને ભાઈચારાની ઉત્તમ મિસાલ પૂરતી પાડે છે.
