નવી દિલ્હીમાં મળેલી યુનિયન કેબિનેટની બેઠકમાં દેશના સ્પોર્ટ્સ સેક્ટરને ગ્લોબલ સ્તરે મજબૂત બનાવતી એક મહત્વની ખેલ ઇન્ડિયા સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. યુનિયન બજેટ 2026-27 માં જાહેરાત કર્યા બાદ હવે આ યોજના જમીની સ્તરે અમલમાં મૂકાઈ રહી છે, જેનો મુખ્ય હેતુ રિસર્ચ, ઇનોવેશન, સ્કિલ ડેવલપમેન્ટ અને ક્વોલિટી સર્ટિફિકેશન દ્વારા ભારતને રમતના સાધનો બનાવવામાં આત્મનિર્ભર બનાવવાનો છે. આ સ્કીમ વર્ષ 2026 થી 2033-34 સુધીના સમયગાળા માટે લાગુ રહેશે અને તેના માટે કુલ 1,856.67 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
આ યોજના અંતર્ગત દેશમાં સમર્પિત સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ ઝોન વિકસાવવામાં આવશે, જ્યાં મેન્યુફેક્ચરર્સ, સપ્લાયર્સ, ટેસ્ટિંગ ફેસિલિટીઝ અને ડિઝાઇન સેન્ટર્સ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. આ ઝોન્સના વિકાસ પાછળ અને ટર્નઓવર લિંક્ડ સપોર્ટ પાછળ કુલ 1,130 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, જે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટને વેગ આપશે અને સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરશે. સ્પોર્ટ્સ મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ઐતિહાસિક પગલાથી માત્ર ભારતીય ખેલાડીઓ જ નહીં, પરંતુ મેડ ઇન ઇન્ડિયા સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ પણ આખી દુનિયામાં દેશનું નામ રોશન કરશે અને તેનાથી યુવા શક્તિ માટે રોજગારીની નવી તકો ઊભી થશે.
આ સ્કીમમાં નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે MSME સેક્ટર પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જેના માટે હાલના ક્લસ્ટર્સને અપગ્રેડ કરવા અને કોમન ફેસિલિટી ઊભી કરવા સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેસરેશન્સ પાસેથી સર્ટિફિકેશન મેળવવા માટે 105 કરોડ રૂપિયાની સહાયની જોગવાઈ કરવામાં આવી છે. રિસર્ચ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે દેશની પ્રીમિયર ઇન્સ્ટિટ્યુટ્સમાં સેન્ટર્સ ઓફ એક્સેલન્સ સ્થાપવામાં આવશે જેથી સ્પોર્ટ્સ પ્રોટેક્ટિવ ગિયર અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીમાં નવું સંશોધન થઈ શકે.
